ગુજ્જુને કોઈ ન પુગે! IPLમાં રવિન્દ્ર જાડેજાની અનોખી સિદ્ધિ, આઈપીએલમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો
RCB સામે ભલે હાર થઈ, પણ જાડેજાએ ૩૦૦૦ રન અને ૧૫૦ વિકેટનો ઐતિહાસિક આંકડો કર્યો પાર.

Ravindra Jadeja IPL 2025 record: ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ૫૦ રનથી હારી ગયું હોય, પરંતુ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. જાડેજા IPLના ઈતિહાસમાં ૩૦૦૦ રન બનાવનાર અને ૧૫૦થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.
IPLની ૧૮મી સીઝનમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન બેટ અને બોલ બંનેથી શાનદાર રહ્યું છે. RCB સામેની આ મેચમાં જાડેજાએ બેટિંગમાં ૨૫ રન બનાવ્યા હતા અને આ સાથે જ તેમણે પોતાની IPL કરિયરમાં ૩૦૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. આ સિદ્ધિની સાથે જાડેજાએ IPLમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે આ T20 લીગના ૧૮ વર્ષના ઈતિહાસમાં આ પહેલા કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નહોતો.
રવિન્દ્ર જાડેજાએ IPLમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૨ મેચ રમી છે, જેમાં તેમને ૧૮૬ ઇનિંગ્સમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો છે અને આમાં તેમણે ૨૭.૨૮ની સરેરાશથી ૩૦૦૧ રન બનાવ્યા છે. IPLમાં જાડેજાના નામે ત્રણ અડધી સદીની ઇનિંગ્સ પણ નોંધાયેલી છે.
જો રવિન્દ્ર જાડેજાના બોલિંગ પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ અતિ પ્રભાવશાળી રહ્યું છે. તેમણે ૨૪૨ મેચની ૨૧૩ ઇનિંગ્સમાં બોલિંગ કરીને ૩૦.૭૬ની સરેરાશથી ૧૬૦ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેમનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ૧૬ રનમાં ૫ વિકેટ રહ્યું છે. IPLમાં બોલ સાથે જાડેજાનો ઈકોનોમી રેટ ૭.૬૪ રહ્યો છે. હાલમાં રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે અને આ નવી સિદ્ધિ તેમના નામે વધુ એક મોરપીંછ ઉમેરે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં ઘણા ખેલાડીઓએ બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રવિન્દ્ર જાડેજા એકમાત્ર એવા ખેલાડી છે જેમણે ૩૦૦૦ રન બનાવવાની સાથે ૧૦૦ વિકેટ પણ પોતાના નામે કરી છે. આ સિદ્ધિ IPLના ૧૮ વર્ષના ઈતિહાસમાં અન્ય કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો નથી.
ભલે IPLમાં કેટલાક એવા ખેલાડીઓ રહ્યા હોય જેમણે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સારું પ્રદર્શન કર્યું હોય, પરંતુ ૩૦૦૦ રન અને ૧૦૦ વિકેટ બંનેનો આંકડો પાર કરવામાં જાડેજાએ એક અનોખું સ્થાન બનાવ્યું છે. આ સિદ્ધિ તેમને IPLના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાંના એક તરીકે સ્થાપિત કરે છે.
ઉલ્લેખનીય છે કે IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેમણે અત્યાર સુધીમાં ૨૫૪ મેચમાં ૮,૦૯૪ રન બનાવ્યા છે. કોહલી બેટિંગમાં ટોચ પર છે, તો જાડેજા ઓલરાઉન્ડ પ્રદર્શનમાં સૌથી આગળ છે. આ આંકડાઓ દર્શાવે છે કે રવિન્દ્ર જાડેજા IPLમાં એક દુર્લભ અને મૂલ્યવાન ખેલાડી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
