IPL 2022: ડિવિલિયર્સને યાદ કરીને ભાવુક થયો વિરાટ કોહલી, કહ્યુંઃ 'જો અમે આ વર્ષે ટાઈટલ જીત્યા તો...
કોહલી અને ડિવિલિયર્સ આરસીબીમાં 11 વર્ષ સુધી એક સાથે રમ્યા છે. આ દરમિયાન બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઈજી માટે ઘણી મેચોમાં સારુ પ્રદર્શન કર્યું હતું અને મેચો જીતાડી હતી. આ સાથે ઘણા એવા રેકોર્ડ પણ બનાવ્યા છે.
Virat Kohli On Ab De Villiers: આઈપીએલ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરુઆત સારી નતી રહી કેમ કે RCBએ પોતાની પ્રથમ મેચમાં પંજાબ સામે હારનો સામનો કર્યો હતો. આ બાદ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે કહ્યું છે કે, જો તેમની ટીમ આ સિઝનમાં પોતાનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતશે તો તેઓ એબી ડિવિલિયર્સ વિશે વિચારીને ઘણા ભાવુક થશે.
ઉલ્લેખનીય છે કે, કોહલી અને ડિવિલિયર્સ આરસીબીમાં 11 વર્ષ સુધી એક સાથે રમ્યા છે. આ દરમિયાન બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઈજી માટે ઘણી મેચોમાં સારુ પ્રદર્શન કર્યું હતું અને મેચો જીતાડી હતી. આ સાથે ઘણા એવા રેકોર્ડ પણ બનાવ્યા છે જેને આવનારી સિઝનમાં તોડવા પણ અઘરા છે.
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે ગયા વર્ષના અંતમાં ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ડિવિલિયર્સે 2008 અને 2010ની વચ્ચે દિલ્લી કેપિટલ્સ (દિલ્લી ડેરડેવિલ્સ) સાથે ક્રિકેટ રમી હતી. પણ 2011ના વર્ષથી તેઓ બેંગ્લોરની ટીમમાં જોડાયા હતા અને સંન્યાસ લેવા સુધી આરસીબી માટે જ રમ્યા હતા. ડિવિલિયર્સે કુલ 184 આઈપીએલ મેચો રમી છે. આ કુલ મેચોમાં તેમણે 39.71 રનની એવરેજ અને 151.69ના સ્ટ્રાઈક રેટથી કુલ 5,162 રન બનાવ્યા છે.
આરસીબી બોલ્ડ ડાયરીઝ પર બોલતાં વિરાટ કોહલીએ કહ્યું કે, જો અમે આ સીઝન(2022)માં ફાઈનલમાં જીત મેળવીને ટાઈટલ જીતીશું તો સૌ પ્રથમ મારા મગજમાં ડિવિલિયર્સનો જ વિચાર આવશે. કોહલીએ આગળ જણાવ્યું કે, ડિવિલિયર્સ અત્યારે પણ તેના માટે અને ટીમ માટે મહત્વ ધરાવે છે. ભલે તે ઘરે બેઠાં મેચ જોઈ રહ્યા હોય પણ તેઓ એક સારા માણસ છે, કેમ કે તેમણે મહેનત કરી છે અને આટલા વર્ષો સુધી સારુ પ્રદર્શન કર્યું છે.
કોહલીએ વધુમાં જણાવ્યું કે, ડિવિલિયર્સ એક અદ્ભુત ખેલાડી છે અને મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે, એબી ડિવિલિયર્સે કોઈને કોઈ રીતે તેમના જીવનમાં યોગદાન ના આપ્યું હોય.