IPL 2025 Suspended: IPL 2025 રદ, ભારત-પાક તણાવ વચ્ચે BCCIનો સૌથી મોટો નિર્ણય
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI એ IPL 2025 નું આયોજન રદ કર્યું છે. હવે આજથી IPL સીઝન 18 ની કોઈ મેચ રમાશે નહીં. બીસીસીઆઈએ સત્તાવાર માહિતી આપી છે.

IPL 2025 Suspend: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે BCCI એ IPL 2025 નું આયોજન રદ કર્યું છે. હવે આજથી IPL સીઝન 18 ની કોઈ મેચ રમાશે નહીં. બીસીસીઆઈએ સત્તાવાર માહિતી આપી છે.
ધર્મશાલામાં મેચ બંધ થયા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નર્વસ હતા. ઓસ્ટ્રેલિયન મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રિકી પોન્ટિંગ સહિત તમામ ખેલાડીઓ ઘરે પાછા ફરવા માંગે છે. જોકે, ધર્મશાલામાં એરપોર્ટ બંધ હોવાથી બધા ખેલાડીઓને ત્યાંથી ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે.
IPL 2025 માં, 57 મેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જ્યારે 8 મેના રોજ ધર્મશાલામાં રમાયેલી 58મી મેચ (PBKS vs DC) સુરક્ષા કારણોસર અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પાકિસ્તાને જમ્મુ સહિત ઘણી જગ્યાએ ડ્રોન હુમલા કર્યા, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા. પરંતુ સાવચેતીના પગલા રૂપે, ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ બંધ કરી દેવામાં આવી હતી અને ખેલાડીઓને હોટેલ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
બીસીસીઆઈના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું કે જ્યારે દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ ચાલી રહ્યું હોય તે સારું લાગતું નથી. તેમણે લીગ મુલતવી રાખવાની પુષ્ટિ કરી, જે 25 મેના રોજ કોલકાતામાં પૂર્ણ થવાની હતી. હવે BCCI સામે બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ બનાવવા અને ભારતમાં હાજર વિદેશી ખેલાડીઓને તેમના ઘરે મોકલવાનો મોટો પડકાર રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જેમાં 20 થી વધુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને કોચ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યા છે.
હવે PSL યુએઈમાં રમાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. જ્યારે એક દિવસ પહેલા, પાકિસ્તાન સુપર લીગને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ખસેડવામાં આવી હતી.
ખેલાડીઓ અને ટીમ સ્ટાફને ધર્મશાળાથી બહાર કાઢવા માટે એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા કારણોસર ઉત્તર ભારતમાં મોટાભાગનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હોવાથી, બંને ટીમોને પહેલા રોડ માર્ગે પઠાણકોટ અને પછી ત્યાંથી ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવશે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેમાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તેના જવાબમાં, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેના પછી સરહદ પર પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.




















