CSKની શરમજનક યાદીમાં એન્ટ્રી, IPL ઇતિહાસમાં આવું કરનારી ૭મી ટીમ બની
IPL 2025: RCB સામે ઘરઆંગણે પરાજય બાદ CSKએ નોંધાવ્યો અનિચ્છનીય રેકોર્ડ, રનના માર્જિનથી ત્રીજી સૌથી મોટી હાર.

CSK 100 IPL losses record: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), જે IPLની સૌથી સફળ ટીમોમાંની એક ગણાય છે, તેણે શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની ૫૦ રનની હાર બાદ એક અનિચ્છનીય યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ હાર સાથે CSK IPLના ઇતિહાસમાં ૧૦૦ મેચ હારનારી ૭મી ટીમ બની ગઈ છે.
CSKને પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ૧૭ વર્ષ બાદ RCB સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૯૬ રન બનાવ્યા હતા, જેના જવાબમાં CSKની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૪૬ રન જ બનાવી શકી હતી. આ હાર માત્ર CSK માટે શરમજનક જ નથી, પરંતુ રનના માર્જિનની દૃષ્ટિએ IPLના ઇતિહાસમાં તેમની ત્રીજી સૌથી મોટી હાર પણ છે.
IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચો હારવાનો રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના નામે છે, જેણે કુલ ૧૩૫ મેચોમાં પરાજયનો સામનો કર્યો છે. હવે CSK પણ ૧૦૦ મેચ હારનારી ટીમોના ક્લબમાં જોડાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં કુલ ૨૪૧ મેચ રમી છે, જેમાંથી તેમણે ૧૩૯ મેચ જીતી છે, જ્યારે ૧૦૦ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. રનના માર્જિનથી CSKની સૌથી મોટી હાર ૨૦૧૩ની IPL સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં ૬૦ રનની હતી.
CSKએ IPLની ૧૮મી સિઝનની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ સામે ૪ વિકેટથી જીત સાથે કરી હતી, જેના કારણે ચાહકોને RCB સામે પણ સારા પ્રદર્શનની અપેક્ષા હતી. જો કે, પ્રથમ બોલરો અને પછી બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. RCB સામેની હારની અસર CSKના નેટ રન રેટ પર પણ પડી છે, જે હવે બે મેચમાં એક જીત અને એક હાર બાદ -૧.૦૧૩ થઈ ગયો છે. આમ, એક તરફ RCBએ ૧૭ વર્ષ બાદ ચેપોકમાં જીત મેળવીને ઇતિહાસ રચ્યો, તો બીજી તરફ CSKએ ૧૦૦ મેચ હારનારી ટીમોની યાદીમાં જોડાઈને એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નોંધનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરઆંગણે હરાવીને એક અવિશ્વસનીય જીત મેળવી હતી. ચેપોકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની આ મેચમાં RCBએ CSKને ૫૦ રનથી પરાજય આપ્યો હતો. આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે RCBએ ૧૭ વર્ષ પછી ચેન્નાઈના આ ગઢમાં વિજય મેળવ્યો હતો.

