IPLને આ વર્ષે મળશે નવો ચેમ્પિયન, RCB-પંજાબ વચ્ચે ફાઇનલમાં ટક્કર, જાણો બંન્ને ટીમોનો રેકોર્ડ
કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 માં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું

કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 માં પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું અને 11 વર્ષ પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પંજાબ કિંગ્સે છેલ્લે 2014માં IPL ફાઇનલ રમી હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPL ના ઇતિહાસમાં (કુલ 18 સીઝન) આ ફક્ત બીજી વખત છે જ્યારે પંજાબ ટીમ પ્લેઓફ અને ફાઇનલમાં પહોંચી છે. હવે 3 જૂને ટાઇટલ મેચમાં પંજાબ કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રજત પાટીદારના કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.
આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગને એક નવો ચેમ્પિયન મળશે, કારણ કે પંજાબ કિંગ્સ અને RCB બંને તેમના પ્રથમ IPL ટાઇટલની રાહ જોઈ રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 10મી વખત IPL પ્લેઓફમાં પહોંચ્યું, પરંતુ તેને ક્યારેય ટાઇટલ જીત મળી નહીં. આ ચોથી વખત છે જ્યારે RCB ટીમ IPL ફાઇનલ રમશે. આ પહેલા 2009,2011 અને 2016માં તેને ડેક્કન ચાર્જર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અનુક્રમે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆતથી જ આરસીબી સાથે સંકળાયેલો છે અને તે તેની પહેલી આઈપીએલ ટ્રોફીની પણ રાહ જોઈ રહ્યો છે. આરસીબીએ 29 મેના રોજ રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
બીજી ક્વોલિફાયર મેચ 1 જૂનની રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી, પરંતુ મેચ બીજા દિવસે એટલે કે 2 જૂને પૂર્ણ થઈ શકી હતી. પંજાબ માટે ફાઇનલમાં પહોંચવાની આ બીજી તક હતી. એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને પ્રથમ અવરોધ પાર કરનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ફાઇનલમાં પહોંચવા માટે બીજી કસોટીમાંથી પસાર થવું પડ્યું. વરસાદને કારણે બરાબર અઢી કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં પહેલા બોલથી છેલ્લા બોલ સુધી રોમાંચ ચાલુ રહ્યો. ટોસ હાર્યા બાદ મુંબઈને પહેલા બેટિંગ કરવી પડી હતી અને તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, કારણ કે રોહિત શર્મા ત્રીજા ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ ટીમના બાકીના બેટ્સમેનોએ ઝડપી ઇનિંગ્સ રમવાનું ચાલુ રાખ્યું અને નિર્ધારિત 20 ઓવરમાં 203 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો
મુંબઈનો આ સ્કોર એટલા માટે પણ મહત્વપૂર્ણ હતો કારણ કે IPLના 18 વર્ષના ઇતિહાસમાં આ મેચ પહેલા આ ટીમ 200 રનના આંકડાને સ્પર્શ્યા પછી ક્યારેય હારી ન હતી. દર વખતે જ્યારે આ ટીમ 200 કે તેથી વધુ રન બનાવ્યા બાદ સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. મુંબઈ માટે જોની બેયરસ્ટોએ 38 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 44-44 રન રમ્યા હતા. છેલ્લી ઓવરમાં, નમન ધીરે 37 રનની ઇનિંગ્સ રમી અને તેમની ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી. પંજાબ કિંગ્સ માટે અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 વિકેટ લીધી અને જેમિન્સન, સ્ટોઈનિસ, વિજયકુમાર અને ચહલે 1-1 વિકેટ લીધી. મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી અને તેને પ્રથમ ઝટકો પ્રભસિમરન સિંહના રૂપમાં માત્ર 13 રનના સ્કોર પર મળ્યો હતો. તે 6 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો.
આ પછી પ્રિયાંશ આર્ય અને જોશ ઇંગ્લિસે પંજાબના સ્કોરબોર્ડને આગળ વધાર્યું હતું. 55 રનના સ્કોર પર પ્રિયાંશ આર્ય આઉટ થયો હતો. આર્ય 20 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ ઇંગ્લિસ 38 રન બનાવીને પંડ્યાનો શિકાર બન્યો અને કિંગ્સને 72 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. અહીંથી, કેપ્ટન શ્રેયસ ઐયરે નેહલ વઢેરા સાથે મળીને ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી અને પોતાની ટીમને મેચમાં પાછી લાવી હતી. પંજાબે 156 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી અને 48 રન બનાવીને નેહલ વઢેરા આઉટ થયો હતો. પંજાબે 169 રનના સ્કોર પર શશાંક સિંહના રૂપમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી.
ઐય્યરે 5 વર્ષમાં ત્રીજી IPL ટીમને ફાઇનલમાં પહોંચાડી
એક યાદગાર ઇનિંગ જેને શ્રેયસ ઐયરે અને પંજાબ કિંગ્સ આવનારા વર્ષો સુધી યાદ રાખશે. શ્રેયસે 41 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 87 રનની અણનમ ઇનિંગ રમી. તેણે અશ્વિની કુમારની 19મી ઓવરમાં 4 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા. આ ઓવરમાં અશ્વિનીએ એક નો બોલ અને એક વાઈડ બોલ પણ ફેંક્યો હતો. આ રીતે 1 ઓવર બાકી હતી ત્યારે ઐય્યરે એક છગ્ગા સાથે મેચ પૂરી કરી અને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. શ્રેયસ માત્ર પાંચ વર્ષમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ ત્રણ અલગ અલગ ફ્રેન્ચાઇઝીને IPLની ફાઇનલમાં પહોંચાડી છે. તેમણે 2020માં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યું, 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સને ટાઇટલ જીતાડ્યુ અને હવે પંજાબ કિંગ્સને તેમની બીજી IPL ફાઇનલમાં પહોંચાડ્યું છે.




















