KKR vs RR: સતત 5 મેચ હાર્યા બાદ કોલકાતાએ રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, નીતિશ રાણા અને રિંકુનું શાનદાર પ્રદર્શન
કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં KKR માટે રિંકુ સિંહ અને નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં KKR માટે રિંકુ સિંહ અને નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
રાજસ્થાને આપેલા લક્ષ્યનો પીછો કરતા કોલકાતા તરફથી બાબા ઈન્દ્રજીત અને એરોન ફિન્ચ ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈન્દ્રજીત 16 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ફિન્ચ માત્ર 4 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે 34 રનની ઇનિંગ રમી હતી. અય્યરે 32 બોલ રમ્યા જેમાં તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે નીતિશ રાણાએ 37 બોલમાં 48 રન અને રિંકુ સિંહે 23 બોલમાં 42 રનની ઈનિંગ રમીને અણનમ રહ્યા હતા અને કોલકાતાને જીત અપાવી હતી.
રાજસ્થાન તરફથી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 37 રન આપીને એક વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન સંજુ સેમસને અડધી સદી ફટકારી હતી. તેણે 49 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. શિમરોન હેટમિયરે અંતિમ ઓવરોમાં શાનદાર બેટિંગ કરી હતી. હેટમાયરે 2 સિક્સ અને એક ફોર ફટકારી 13 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. રિયાન પરાગે 19 રન અને જોસ બટલરે 22 રનનું યોગદાન આપ્યું હતું.
કોલકાતા તરફથી ટિમ સાઉથીએ 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. ઉમેશ યાદવે 4 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે મેડન ઓવર કાઢી હતી. અનુકુલ રોય અને શિવમ માવીને પણ એક-એક વિકેટ મળી હતી. સુનીલ નારાયણ વિકેટ લેવામાં સફળ નહોતો રહ્યો.