AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને લઈ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામનગરના ટાઉનહોલમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા. ગોપાલ ઈટાલિયા જ્યારે આ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું હતું.
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સભામાં જોરદાર હંગામો થયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અચાનક કોઈ વ્યક્તિએ આગળ આવીને ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકવાની ઘટના બનતા થોડીવાર માટે આ જનસભામાં દોડધામ મચી ગઈ હતી. સ્ટેજ ઉપર રહેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક નીચે બેસેલા કાર્યકરોએ હુમલાખોરને પકડી તેને જોરદારનો મેથીપાક ચખાડ્યો હતો. જૂતું ફેંકનાર અજાણ્યા શખ્સની હાલ તો પોલીસે અટકાયત કરી છે.





















