MI vs LSG: કેએલ રાહુલે મુંબઈ સામે બનાવ્યા અનેક રેકોર્ડ, 300 ફોર ફટકારી સચિન કરતા પણ આગળ નિકળ્યો
IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
KL Rahul Records: IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનઉ તરફથી કેપ્ટન કેએલ રાહુલે જબરદસ્ત બેટિંગ કરતા ફોર અને સિક્સરનો વરસાદ કર્યો હતો. તેની 103 રનની જબરદસ્ત ઈનિંગના કારણે લખનઉએ મુંબઈને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં રાહુલે અણનમ 103 રન બનાવ્યા હતા. રાહુલે પોતાની ઈનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
રાહુલે 300 ચોગ્ગા ફટકાર્યા, સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો
લખનઉના કેપ્ટને આ મેચમાં શાનદાર બેટિંગ કરીને ઘણા અનોખા રેકોર્ડ બનાવ્યા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા. કેએલ રાહુલે મુંબઈ સામે 9 ફોર ફટકારી અને આ સાથે જ તેની આઈપીએલમાં 300 ફોર પૂરી કરી. આવું કરનાર તે 18મો ખેલાડી બન્યો છે. રાહુલે પાંચમો ચોગ્ગો મારતાની સાથે જ સચિન તેંડુલકરનો 295 ફોરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેંડુલકરના નામે 78 IPL મેચોમાં 295 ફોર છે.
રાહુલે IPLમાં પણ 3500 રન પૂરા કર્યા
કેએલ રાહુલે મુંબઈ સામે શાનદાર ઇનિંગ રમીને IPLમાં પોતાના 3500 રન પૂરા કર્યા છે. KL રાહુલ આવું કરનાર IPL ઈતિહાસમાં 16મો ખેલાડી બની ગયો છે. રાહુલને આ સ્થાન હાંસલ કરવા માટે 95 રનની જરૂર હતી અને રાહુલે અણનમ 103 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની આ 100મી આઈપીએલ મેચ હતી, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેણે તેની 100મી આઈપીએલ મેચમાં સદી ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી રાહુલ સિવાય કોઈ બેટ્સમેન પોતાની 100મી મેચમાં સદી ફટકારી શક્યો નથી.