MI vs SRH: બુમરાહની અદ્ભુત બોલિંગ, T20ના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 3 રનથી હરાવ્યું. આ મેચમાં જસપ્રીત બુમરાહે મુંબઈ તરફથી બોલિંગ કરતા એક વિકેટ લીધી હતી.
Jasprit Bumrah Record Mumbai Indians vs Sunrisers Hyderabad IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 3 રનથી હરાવ્યું. આ મેચમાં જસપ્રીત બુમરાહે મુંબઈ તરફથી બોલિંગ કરતા એક વિકેટ લીધી હતી. આ વિકેટ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહ T20 ફોર્મેટમાં 250 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો છે. તેના પહેલા કોઈ ભારતીય ફાસ્ટ બોલર આ કારનામું કરી શક્યો ન હતો. T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે.
બુમરાહ ટીમ ઈન્ડિયા અને મુંબઈના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. તેણે અત્યાર સુધી રમાયેલી 206 T20 મેચોમાં 250 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. બુમરાહે બાંગ્લાદેશના બોલર મુસ્તાફિઝુર રહેમાનને પાછળ છોડી દીધો છે. આ સાથે ખાસ વાત એ છે કે તે 250 ટી20 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર છે.
જો ભારતીય સ્પિન બોલરોની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને અમિત મિશ્રાએ T20 ફોર્મેટમાં 250થી વધુ વિકેટ લીધી છે. અશ્વિને 278 ટી20 મેચમાં 274 વિકેટ લીધી છે. જ્યારે ચહલે 238 મેચમાં 271 વિકેટ લીધી છે. T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નામે છે. બ્રાવોએ 532 મેચમાં 587 વિકેટ લીધી છે. બ્રાવોનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 23 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.
મુંબઈની હૈદ્રાબાદ સામે હાર
194 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. જો કે આ મેચમાં પણ અડધી સદીની નજીક આવ્યા બાદ રોહિત ફિફ્ટી બનાવી શક્યો ન હતો અને 48 રન બનાવીને આઉટ થયો હતો. સુંદરે તેને પોતાનો શિકાર બનાવ્યો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ 43 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આઉટ કર્યો હતો.
તેના આઉટ થયા પછી, સેમ્સ અને તિલક વર્મા પણ વધુ રન નહોતા બનાવી શક્યા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. સેમ્સે 15 અને તિલકે 8 રન બનાવ્યા હતા. આ બંનેની વિકેટ પણ ઉમરાન મલિકે લીધી હતી. તેમના આઉટ થયા પછી, ટિમ ડેવિડ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સ્કોર આગળ વધાર્યો. બંનેએ 17 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પણ ટિમ ડેવિડ પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે 18 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.