RCB vs RR Score Live: ફરી જીતેલી બાજી રાજસ્થાન હારી ગયું, હેઝલવુડે 19મી ઓવરમાં બાજી ફેરવી નાંકી; RCBએ હારી ગયેલી મેચ જીતી લીધી
RCB vs RR Score Live IPL 2025: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજી ટક્કર, પોઈન્ટ ટેબલમાં બંનેની સ્થિતિ અલગ, જાણો કોનું પલડું ભારે અને પિચ રિપોર્ટ.

Background
Royal Challengers Bengaluru vs Rajasthan Royals: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં આજે એક અત્યંત રોમાંચક મેચની અપેક્ષા છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રજત પાટીદારની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રેયાન પરાગના નેતૃત્વ હેઠળની રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાઈ રહી છે. આ પહેલા જયપુરમાં રમાયેલી મેચમાં RCBનો વિજય થયો હતો અને હવે રાજસ્થાન રોયલ્સ તેનો બદલો લેવા ઉત્સુક હશે.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આમ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાન પર ઉતરશે.
IPL ૨૦૨૫માં અત્યાર સુધી બંને ટીમોનું પ્રદર્શન અલગ રહ્યું છે. RCBએ ૮ મેચ રમી છે અને તેમાંથી પાંચ મેચ જીતીને ૩ મેચમાં હારનો સામનો કર્યો છે. +૦.૪૭૨ના નેટ રન રેટ સાથે RCB પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ ૮ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી શક્યું છે અને તેને ૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે.
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLના ઇતિહાસમાં જોરદાર સ્પર્ધા જોવા મળી છે. RCBએ રાજસ્થાનને અત્યાર સુધીમાં ૧૬ વખત હરાવ્યું છે, જ્યારે રાજસ્થાન ૧૪ વખત બેંગલુરુને પરાજય આપી શક્યું છે.
પિચ રિપોર્ટ:
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં બોલરોને ઘણી મુશ્કેલી પડે છે અને બેટ્સમેનોને રન બનાવવામાં મજા આવે છે. જોકે, RCB આ મેદાન પર આ સિઝનમાં સતત હારી રહ્યું છે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે અહીં કોઈ પણ ટોટલનો બચાવ કરવો સરળ નથી અને લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમ વધુ સારી સ્થિતિમાં હોય છે. ઝાકળની અસર એટલી થવાની નથી તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
મેચ અનુમાન:
આ મેચમાં RCBનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. પિચ રિપોર્ટ મુજબ, ટાર્ગેટનો પીછો કરતી ટીમ જીતની વધુ સારી દાવેદાર છે. રાજસ્થાન રોયલ્સ આ મેચમાં બધાને ચોંકાવી શકે છે.
સંભવિત પ્લેઈંગ ઇલેવન:
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઇલેવનમાં કેટલાક રોમાંચક નામો જોવા મળી શકે છે:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારીયો શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ અને જોશ હેઝલવુડ. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સુયશ શર્માનો ઉપયોગ થઈ શકે છે.
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રેયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, ક્વેના મ્ફાકા, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે શુભમ દુબે અથવા કુમાર કાર્તિકેયનો ઉપયોગ થઈ શકે છે.
ટોસ થઈ ચૂક્યો છે અને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હવે જોવાનું એ રહેશે કે બેંગલુરુની બેટિંગ અને રાજસ્થાનનો બોલિંગ આક્રમણ કેવું રહે છે. આ મેચમાં બંને ટીમો જીત માટે એડીચોટીનું જોર લગાવશે.
RCB vs RR Live Score: રોમાંચક મેચમાં બેંગ્લોરે રાજસ્થાનને 11 રને હરાવ્યું
બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રને પરાજય આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં બેંગ્લોરે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા.
જવાબમાં રાજસ્થાને એક સમયે 9 ઓવરમાં બે વિકેટે 110 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતું.
જોકે, ત્યારબાદ બેંગ્લોરના બોલરોએ શાનદાર વાપસી કરી હતી, પરંતુ ધ્રુવ જુરેલે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને મેચને ફરીથી રોમાંચક બનાવી દીધી હતી.
રાજસ્થાનને જીત માટે છેલ્લા 12 બોલમાં માત્ર 18 રનની જરૂર હતી અને સેટ બેટ્સમેન ધ્રુવ જુરેલ અને શુભમ દુબે ક્રિઝ પર હતા.
પરંતુ જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર એક રન આપીને બે મહત્વની વિકેટ ઝડપીને મેચનું પાસું પલટી નાખ્યું હતું.
હેઝલવુડની શાનદાર બોલિંગના કારણે બેંગ્લોરે હારેલી બાજી 11 રને પોતાના નામે કરી લીધી હતી.
RCB vs RR Live Score: હેઝલવુડે મેચને ફેરવી નાખી
જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર એક રન આપીને બે વિકેટ ઝડપી હતી. હવે રાજસ્થાને 6 બોલમાં 17 રન બનાવવાના છે. બધાને શુભમ દુબે પાસેથી અપેક્ષાઓ હશે.



















