T20માં રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા
GT સામેની મેચમાં રોહિતે રમ્યો ૪૫૦મો T20 મુકાબલો, મુંબઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી.

Rohit Sharma 450 T20 matches: રોહિત શર્માએ પોતાની T20 કારકિર્દીમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. IPL 2025ની 9મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રમતા રોહિત શર્મા ૪૫૦ T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ટીમમાં પરત ફર્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વનો ભાગ રહેલા રોહિત શર્મા માટે આ મેચ તેમના T20 કરિયરમાં એક યાદગાર ક્ષણ બની ગઈ છે. તેઓ ૪૫૦ T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ સિદ્ધિ દર્શાવે છે કે રોહિતે આ ફોર્મેટમાં કેટલું લાંબુ અને સફળ કરિયર બનાવ્યું છે. રોહિત શર્મા બાદ સૌથી વધુ T20 મેચ રમનાર ભારતીય ખેલાડી દિનેશ કાર્તિક છે, જેમણે ૪૧૨ મેચ રમી છે. આ યાદીમાં વિરાટ કોહલી ૪૦૧ મેચ સાથે ત્રીજા અને એમએસ ધોની ૩૯૩ મેચો સાથે ચોથા સ્થાને છે.
રોહિત શર્માએ વર્ષ ૨૦૨૪માં ભારતીય ટીમને T20 વર્લ્ડ કપમાં વિજય અપાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે તેઓ માત્ર IPLમાં જ T20 ફોર્મેટમાં રમતા જોવા મળે છે. વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ T20 મેચ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડના નામે છે, જેમણે કુલ ૬૯૫ મેચ રમી છે. રોહિત શર્મા હવે ૪૫૦ કે તેથી વધુ T20 મેચ રમનાર વિશ્વના ૧૨મા ખેલાડી બન્યા છે, જે ભારતીય ક્રિકેટ માટે ગર્વની વાત છે.
સૌથી વધુ T20 મેચ રમનાર ભારતીય ખેલાડીઓ:
રોહિત શર્મા - ૪૫૦ ટી૨૦ મેચ
દિનેશ કાર્તિક – ૪૧૨ ટી૨૦ મેચ
વિરાટ કોહલી - ૪૦૧ T20 મેચ
એમએસ ધોની - ૩૯૩ ટી૨૦ મેચો
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2025માં પોતાની પ્રથમ જીત મેળવવા માટે ઉત્સુક છે. સિઝનની પ્રથમ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં હાર્દિક પંડ્યાની સાથે મુજીબ ઉર રહેમાનને પણ તક મળી છે. રોહિત શર્માની આ મોટી સિદ્ધિ અને મુંબઈની પ્રથમ જીતની શોધ આ મેચને વધુ રોમાંચક બનાવે છે.




















