આ ખેલાડીએ એક ઝાટકે તોડ્યો અશ્વિનનો રેકોર્ડ, નંબર વનનો તાજ હાસિંલ કર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 8 વિકેટથી હરાવી દિધી હતી.

Sunil narine : કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે આઈપીએલ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 8 વિકેટથી હરાવી દિધી હતી. આ મેચમાં KKR માટે સુનીલ નારાયણ સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા, CSKએ માત્ર 103 રન બનાવ્યા, જે KKRએ સુનીલ નારાયણની ઇનિંગને કારણે જીત હાસિંલ કરી હતી.
સુનીલ નારાયણે ચાર ઓવરમાં એકપણ બાઉન્ડ્રી ન લગાવવા દીધી
પ્રથમ બોલિંગ કરતા સુનીલ નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે રાહુલ ત્રિપાઠી, રવીન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ લીધી હતી. તેના કારણે CSKની ટીમ માત્ર 103 રન જ બનાવી શકી હતી. ખાસ વાત એ હતી કે સુનીલ નારાયણે પોતાની ચાર ઓવરના ક્વોટા દરમિયાન કોઈ બાઉન્ડ્રી નહોતી આપી. આ મેચમાં સુનીલ નારાયણે બેટિંગ અને બોલિંગ બંનેમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સુનીલ નારાયણે આર અશ્વિનને પાછળ છોડી દીધો
સુનીલ નારાયણે આવું 16 વખત કર્યું છે, જ્યારે તેણે આઈપીએલ મેચમાં તેની આખી ચાર ઓવર ફેંકી છે અને એક પણ બાઉન્ડ્રી આપી નથી. આઈપીએલમાં કોઈપણ બોલર દ્વારા આ સૌથી વધુ છે. સુનીલ નારાયણે આ મામલે નંબર-1નો તાજ હાંસલ કર્યો છે અને તેણે રવિચંદ્રન અશ્વિનનો રેકોર્ડ તોડ્યો છે. અશ્વિને આઈપીએલમાં 15 વખત આવું કર્યું છે, જ્યારે તેણે મેચમાં તેની સંપૂર્ણ ચાર ઓવર ફેંકી હતી અને કોઈ બાઉન્ડ્રી આપી ન હતી.
સુનીલ નારાયણે 44 રન બનાવ્યા હતા
બોલિંગ પછી, સુનીલ નારાયણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બેટિંગ કરી અને 18 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય ક્વિન્ટન ડી કોકે 23 અને અજિંક્ય રહાણેએ 20 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ KKR ટીમ જીતવામાં સફળ રહી હતી.
સુનીલ નારાયણ 2012 થી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 182 આઈપીએલ મેચોમાં કુલ 185 વિકેટ લીધી છે. આ સિવાય તેના બેટએ IPLમાં 1659 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 7 અડધી સદી સામેલ છે.




















