IPL 2025: સૂર્યકુમારે રોહિત-વિરાટને પાછળ છોડી દીધા, આવું કરનાર સૌથી સૌથી ઝડપી ભારતીય બન્યો, ઓરેન્જ કેપ પણ...
લખનૌ સામે તોફાની અડધી સદી ફટકારી ધમાલ મચાવી, સતત ૧૦મી મેચમાં ૨૫+ રનનો રોબિન ઉથપ્પાનો રેકોર્ડ સરભર કર્યો, સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન.

Suryakumar Yadav IPL 4000 runs: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫માં મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી ૪૫મી મેચમાં સૂર્યકુમારે માત્ર વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને મદદ કરી નહિ, પરંતુ કેટલાક મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા અને સિઝનની ઓરેન્જ કેપ પણ હાંસલ કરી.
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ૨૧૫ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરમાં સૂર્યકુમાર યાદવની ૫૪ રનની (૨૮ બોલમાં ૪ ચોગ્ગા, ૪ છગ્ગા) તોફાની ઇનિંગ્સનું મહત્વનું યોગદાન હતું. મુંબઈ માટે રેયાન રિક્લેટને સૌથી વધુ ૫૮ રન બનાવ્યા હતા.
રેકોર્ડની ધમાલ: રોહિત-વિરાટને પાછળ છોડ્યા
આ ઇનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે એક નહિ પરંતુ અનેક રેકોર્ડ બનાવ્યા. સૌથી પહેલા તો તેણે IPL ૨૦૨૫માં સતત ૧૦મી મેચમાં ૨૫થી વધુ રન બનાવીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી. તે IPLના ઇતિહાસમાં રોબિન ઉથપ્પા (IPL ૨૦૧૪) બાદ સતત ૧૦ વખત ૨૫+ રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે રોબિન ઉથપ્પાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે અને આગામી મેચમાં ૨૫થી વધુ રન બનાવી તે આ રેકોર્ડ તોડી શકે છે.
IPLમાં સૌથી વધુ વખત સતત ૨૫+ રન બનાવનાર બેટ્સમેન: ૧. ૧૦ - રોબિન ઉથપ્પા (૨૦૧૪) ૨. ૧૦ - સૂર્યકુમાર યાદવ (૨૦૨૫)* ૩. ૯ - સ્ટીવ સ્મિથ (૨૦૧૬-૧૭) ૪. ૯ - વિરાટ કોહલી (૨૦૨૪-૨૫) ૫. ૯ - સાંઈ સુદર્શન (૨૦૨૩-૨૪)
આ જ અડધી સદીની ઇનિંગ દરમિયાન સૂર્યા IPLમાં પોતાના ૪૦૦૦ રન પણ પૂરા કરવામાં સફળ રહ્યો. તેણે તેની ૧૪૫મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરીને IPLમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જેમણે ૧૪૭ ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આટલું જ નહીં, સૂર્યકુમાર યાદવે સૌથી ઓછા બોલનો સામનો કરીને IPLમાં ૪૦૦૦ રનના આંકને સ્પર્શ કર્યો છે. આ રીતે તે IPLમાં સૌથી ઝડપી ૪૦૦૦ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે અને વિશ્વના બેટ્સમેનોમાં પણ ટોચના ત્રણમાં સામેલ છે.
સૌથી ઓછા બોલમાં ૪૦૦૦ IPL રન બનાવનાર બેટ્સમેન: ૧. ૨૬૫૮ – એબી ડી વિલિયર્સ ૨. ૨૬૫૮ - ક્રિસ ગેલ ૩. ૨૭૧૪ - સૂર્યકુમાર યાદવ (ભારતીયમાં સૌથી ઝડપી) ૪. ૨૮૦૯ - ડેવિડ વોર્નર ૫. ૨૮૮૧ - સુરેશ રૈના
IPL ૨૦૨૫માં ઓરેન્જ કેપ હાંસલ કરી
IPL ૨૦૨૫માં સૂર્યાનું બેટ સતત ધમાલ મચાવી રહ્યું છે. લખનૌ સામેની તેની શાનદાર અડધી સદી સાથે તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સાઈ સુદર્શનને પાછળ છોડીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ૧૦ મેચમાં ૬૧ની એવરેજ અને ૧૬૯.૪૪ના સ્ટ્રાઈક રેટથી ૪૨૭ રન બનાવ્યા છે, જેમાં ૩ અડધી સદીનો પણ સમાવેશ થાય છે.
IPL ૨૦૨૫માં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી: ૧. સૂર્યકુમાર યાદવ – ૪૨૭ ૨. સાંઈ સુદર્શન – ૪૧૭ ૩. વિરાટ કોહલી - ૩૯૨ ૪. નિકોલસ પૂરન – ૩૭૭



















