CSK ની સતત બીજી હાર બાદ કેટલું બદલાયું પોઇન્ટસ ટેબલ ? જાણો લેટેસ્ટ અપડેટ
IPL Points Table Update: રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું હતું. આ રીતે રાજસ્થાન રોયલ્સે સીઝનની પહેલી જીત મેળવી હતી

IPL Points Table Update: રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 રને હરાવ્યું હતું. આ રીતે રાજસ્થાન રોયલ્સે સીઝનની પહેલી જીત મેળવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ પર રાજસ્થાન રોયલ્સની જીત પછી પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો છે? હવે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગયું છે. રજત પાટીદારના કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 2 મેચમાં 4 પોઈન્ટ છે.
હવે પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો છે?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પછી દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ પણ 2 મેચમાં 4 પોઈન્ટ ધરાવે છે. આ પછી અનુક્રમે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આવે છે. વાસ્તવમાં આ ટીમોના 2-2 પોઈન્ટ સમાન છે, પરંતુ નેટ રન રેટના આધારે ટીમો પોઈન્ટ ટેબલમાં આગળ અને પાછળ છે. હાર્દિક પંડ્યાના કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સીઝનની પોતાની પહેલી જીતની રાહ જોઈ રહી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રાજસ્થાન રોયલ્સે સીઝનની પહેલી જીત મેળવી
રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સીઝનની પોતાની પહેલી જીત નોંધાવી હતી. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 182 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી નીતિશ રાણાએ 36 બોલમાં સૌથી વધુ 81 રન કર્યા હતા. રિયાન પરાગે 28 બોલમાં 37 રનનું યોગદાન આપ્યું. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મથીશા પથિરાનાએ 2-2 વિકેટ લીધી હતી. રવિ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને 1-1 સફળતા મળી હતી.
રાજસ્થાન રોયલ્સના 182 રનના જવાબમાં બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન જ બનાવી શક્યું. આ રીતે ઋતુરાજ ગાયકવાડના કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 44 બોલમાં સૌથી વધુ 63 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જોફ્રા આર્ચર અને સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.




















