IPL 2025 : મુંબઇની સતત છઠ્ઠી જીત, પોઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી ટીમ
IPL 2025 : બીજી તરફ આ કારમી હારથી રાજસ્થાન રોયલ્સ આઇપીએલ 2025માંથી બહાર થઈ ગઇ છે. મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ જબરદસ્ત ફોર્મમાં છે.

IPL 2025 MI vs RR: કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટની શાનદાર બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ IPL 2025માં સતત છઠ્ઠી જીત નોંધાવી અને સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) ને 100 રનના મોટા માર્જિનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે.
𝐓𝐡𝐞 𝐜𝐥𝐢𝐦𝐛 𝐢𝐬 𝐨𝐧! 📈 pic.twitter.com/mhqnupdXiP
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ રિયાન રિકેલ્ટન અને રોહિત શર્માની અડધી સદી, સૂર્યકુમાર યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાના અણનમ 48-48 રનની મદદથી 217 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઇના બોલરોએ રાજસ્થાન રોયલ્સને 16.1 ઓવરમાં ફક્ત 117 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી, જેનાથી તેમને 2012 પછી જયપુરમાં પહેલી જીત મળી હતી.
મુંબઈની જીતથી તેમનો નેટ રન રેટ 1.274 થયો, જે ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ રન રેટ છે. બીજી તરફ આ કારમી હારથી રાજસ્થાન રોયલ્સ આઇપીએલ 2025માંથી બહાર થઈ ગઇ છે. 217 રનના વિશાળ લક્ષ્યનો બચાવ કરતા મુંબઇએ શરૂઆતથી જ શાનદાર બોલિંગ કરી હતી. દીપક ચહરે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને શૂન્ય રન પર આઉટ કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ સામે યશસ્વી જયસ્વાલે બે છગ્ગા ફટકાર્યા, પરંતુ બોલ્ટે તે જ ઓવરમાં તેને આઉટ કર્યો હતો.
નીતિશ રાણા બોલ્ટના બોલ પર ડીપ સ્ક્વેર લેગ પર કેચ આઉટ થયો હતો. બુમરાહે રિયાન પરાગ અને શિમરોન હેટમાયરની વિકેટ ઝડપી હતી. શુભમ દુબેએ નવ બોલમાં 15 રન બનાવ્યા પરંતુ હાર્દિક પંડ્યાના હાથે લોંગ-ઓન પર કેચ આઉટ થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. ટીમની બેટિંગમાં રિયાન રિકેલ્ટન અને રોહિત શર્મા શાનદાર ઓપનિંગ આપી રહ્યા છે. જ્યારે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડર્સમાં જવાબદારી સંભાળી રહ્યા છે. ટીમની બોલિંગ હંમેશા તાકાત રહી છે. મુંબઈની બોલિંગ લાઇન-અપમાં ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કર્ણ શર્મા જેવા ઘણા મોટા નામનો સમાવેશ થાય છે.
શું MI 2017 ના આંકડાઓનું પુનરાવર્તન કરશે?
આ પહેલી વાર નથી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે સતત 6 વખત જીતવાની આ સિદ્ધિ હાંસલ કરી હોય. મુંબઈએ 2017ની આઈપીએલ ટુર્નામેન્ટમાં પણ સતત છ મેચ જીતી હતી. 2017માં મુંબઈએ માત્ર સતત છ મેચ જીતી ન હતી પરંતુ તે વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે ટાઇટલ પણ જીત્યું હતું. આ આંકડાઓએ ફરી એકવાર એવા સંકેત આપે છે કે શું મુંબઈ 2025માં ફરી એકવાર 2017ના આંકડાઓનું પુનરાવર્તન કરી શકશે.




















