(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2022: વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને પોતાના દેશના ખેલાડીઓને કરી અપીલ, કહ્યું- IPL છોડો અને દેશને બચાવો...
અર્જુન રણતુંગાએ કહ્યું કે, મને આ વિશે ખબર નથી, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જે IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પોતાના દેશ વિશે વાત નથી કરી રહ્યા.
શ્રીલંકા હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશમાં દરેક જગ્યાએ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. શ્રીલંકાના ભૂતપુર્વ ક્રિકેટર કુમાર સંગાકારા, મહેલા જયવર્દને અને ભાનુકા રાજપક્ષે પણ આ અંગે શ્રીલંકાના સમર્થનમાં આવ્યા છે. આ દરમિયાન શ્રીલંકાના મહાન ખેલાડી અર્જુન રણતુંગાએ કહ્યું છે કે, આઈપીએલ રમી રહેલા તમામ ખેલાડીઓએ દેશની મદદ માટે આવવું જોઈએ. તેઓએ આ મુશ્કેલ સમયમાં દેશની સાથે ઉભા રહેવું જોઈએ.
ANI સાથે વાત કરતાં અર્જુન રણતુંગાએ કહ્યું કે, મને આ વિશે ખબર નથી, પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જે IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ પોતાના દેશ વિશે વાત નથી કરી રહ્યા. તેમણે વધુમાં કહ્યું કે, આ ખેલાડીઓ સરકાર વિરુદ્ધ બોલતા ડરે છે. આ ક્રિકેટરો મંત્રાલય હેઠળ આવતા ક્રિકેટ બોર્ડ માટે કામ કરે છે. ક્રિકેટરો પોતાની નોકરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ હવે આપણે આગળ આવવું પડશે. જો કે, કેટલાક યુવા ખેલાડીઓ આગળ પણ આવ્યા છે.
આપણે આગળ આવવું પડશેઃ
અર્જુન રણતુંગાએ વધુમાં કહ્યું કે, જ્યારે કંઈક ખોટું થઈ રહ્યું હોય ત્યારે તમારે તમારા બિઝનેસ વિશે વિચાર્યા વિના આગળ આવવાની જરૂર બને છે અને તેના માટે આગળ આવવાની હિંમત હોવી જોઈએ. રણતુંગાએ વધુમાં કહ્યું કે, લોકો તેમને પૂછે છે કે, તેઓ આ વિરોધનો ભાગ કેમ નથી, ત્યારે હું કહું છું કે, હું છેલ્લા 19 વર્ષથી રાજકારણમાં છું. આ કોઈ રાજકીય મુદ્દો નથી. અત્યાર સુધી દેશના કોઈપણ રાજકીય પક્ષે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી અને તે દેશની સૌથી મોટી તાકાત છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાએ વર્ષ 1996માં પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. અર્જુન રણતુંગાની કેપ્ટશીપ હેઠળ શ્રીલંકાની ટીમે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.