World Cup 2023: ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને લઇને આવ્યા રાહતના હેલ્થ અપડેટ્સ, શું પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે?
Shubman Gill: ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુથી પ્રભાવિત થયો છે. હવે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બેટ્સમેનને લઈને રાહત આપનારી અપડેટ આપ્યા છે.
Shubman Gill Health Update: વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ પહેલા ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. ગિલની તબિયત બગડતી હોવાથી ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગિલ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ અને બીજી મેચમાં ભાગ લેશે નહીં. પરંતુ હવે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતે ગિલની તબિયત અંગે અપડેટ આપતા કહ્યું કે, તે હજુ મેચથી બહાર નથી થયો.
આઈસીસીના રિપોર્ટ અનુસાર રાહુલ દ્રવિડે ગિલની તબિયત અંગે અપડેટ આપ્યું હતું. "તે સ્પષ્ટપણે આજે સારું અનુભવે છે," તેણે કહ્યું. મેડિકલ ટીમ દરરોજ મોનિટરિંગ કરી રહી છે. અમારી પાસે 36 કલાક છે, અમે જોઈશું કે તેઓ શું નિર્ણય લે છે. મુખ્ય કોચે ઓસ્ટ્રેલિયા (8 ઓક્ટોબર) સામેની મેચમાં ગિલની રમત વિશે વધુમાં જણાવ્યું હતું કે, “મેડિકલ ટીમે હજુ સુધી તેને મેચમાંથી બહાર નથી કર્યો. અમે દરરોજ તેમના પર દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું. અમે જોઈશું કે કાલે તે કેવું અનુભવે છે."
2023માં ODIમાં ભારત માટે ટોપ સ્કોરર
ગિલ 2023માં વન-ડેમાં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 મેચની 20 ઇનિંગ્સમાં 72.35ની એવરેજથી 1230 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 5 અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરથી રમશે
ભારતીય ટીમ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગિલ આ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થાય છે કે નહીં. આ પછી, યજમાન ભારતની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે થશે. ત્યારે ભારતની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે થશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.