શોધખોળ કરો
શુક્રવારે સુરતમાં હાર્દિક અને CM આમનેસામને, ભાજપના નેતા-પોલીસ દોડતા થઈ ગયા
1/3

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલ લાજપોર જેલમાંથી 15 જુલાઈ ને શુક્રવારે મુક્ત થશે. યોગાનુયોગ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એ દિવસે સુરતમાં જ છે. આમ, હાર્દિકની મુક્તિના દિવસે જ આનંદીબેન પટેલ અને પાટીદારોની ટક્કર થશે. પાટીદારોએ આ ટક્કરમાં આનંદીબેનને મહાત આપવા જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. આનંદીબેનને પાટીદાર પાવર બતાવવા માટે પાટીદાર આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે.
2/3

આનંદીબેન પટેલ શુક્રવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમ અગાઉથી નિશ્ચિત હતો અને એ વખતે ભાજપના નેતાઓને ખબર નહોતી કે હાર્દિક પણ એ દિવસે જેલમાંથી છૂટશે. હવે હાર્દિકની મુક્તિનો દિવસ નક્કી થઈ જતાં ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ ચિંતામાં પડી ગયા છે. આ કારણે મંગળવારે સુરતના ટોચના અધિકારીઓએ તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શુક્રવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કઈ રીતે જાળવવી તેની ચર્ચા કરાઈ હતી.
3/3

ભાજપના નેતાઓએ પણ એક તાકીદની બેઠક બોલાવી હતી. પાટીદારોના શક્તિપ્રદર્શનના કારણે આનંદીબેનના કાર્યક્રમનો ફિયાસ્કો ના થઈ જાય તેની ચિંતામાં ભાજપના નેતા દોડતા થઈ ગયા છે. પાટીદાર આંદોલનના કારણે ગયા વરસે સુરતમાં આનંદીબેનના મહિલા સંમેલનનો ફિયાસ્કો થઈ ગયો હતો અને કાગડા ઉડતા હતા. આનંદીબેને એ વખતે ભાજપના નેતાઓને જાહેરમાં તતડાવ્યા હતા. આ વખતે એ ઘટનાનું પુનરાવર્તન ના થાય તેની ચિંતામાં ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.
Published at : 13 Jul 2016 10:58 AM (IST)
View More





















