WhatsApp Group પર હાઇકોર્ટનો મોટો ચુકાદો- ‘તમામ મેસેજ માટે એડમિન જવાબદાર નહીં’
કેરલ હાઇકોર્ટે વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલ એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે યુઝર્સ માટે રાહતભર્યો હોઇ શકે છે
નવી દિલ્હીઃ WhatsApp દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ થનારી મેસેજિંગ એપ છે. કેરલ હાઇકોર્ટે વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલ એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે યુઝર્સ માટે રાહતભર્યો હોઇ શકે છે. હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે WhatsApp Groupમાં આવનારા કોઇ પણ મેસેજ (આપત્તિજનક) માટે ગ્રુપ એડમિન પરોક્ષ રીતે જવાબદાર હોઇ શકે નહીં. કોર્ટનો આ ચુકાદો એવા લોકો માટે મોટી રાહત સમાન છે જે વોટ્સએપ ગ્રુપના એડમિન છે.
કેરલ હાઇકોર્ટનો આ ચુકાદો WhatsApp Groupમાં શેર કરવામાં આવેલી આપત્તિજનક વીડિયો પર આપ્યો છે. માર્ચ 2020માં ફ્રેન્ડ્સ નામના એક વોટ્સએપ ગ્રુપમાં આપત્તિજનક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને બતાવવામાં આવ્યા હતા.
વાસ્તવમાં એક વ્યક્તિએ FRIENDS નામથી એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં બે અન્ય વ્યક્તિઓને ગ્રુપના એડમિન બનાવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ ગ્રુપમાં આપત્તિજનક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં બાળકો સામેલ હતા.ત્યારબાદ પોલીસે વીડિયો પોસ્ટ કરનારા વ્યક્તિની સાથે પ્રથમ વ્યક્તિ (જેણે ગ્રુપ બનાવ્યું હતું.)ના વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ ગ્રુપ એડમિને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે WhatsApp Group Adminની પાસે અન્ય સભ્યોની સરખામણીએ ફક્ત એક વિશેષ અધિકાર છે કે તે ગ્રુપમાં કોઇ વ્યક્તિને એડ કરી શકે છે અથવા તો કોઇને ગ્રુપમાંથી દૂર કરી શકે છે.
કેરલ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ગ્રુપમાં કોઇ વ્યક્તિ શું પોસ્ટ કરી રહ્યું છે તેના પર એડમિનની પાસે ફિઝિકલ અથવા કોઇ અન્ય કંન્ટ્રોલ હોતો નથી. તે ગ્રુપમાં મેસેજને સેન્સર અથવા મોડરેટ કરી શકતો નથી. કોર્ટે કહ્યું કે આ પ્રકારે કોઇ પણ રીતે કોઇ વોટ્સએપ ગ્રુપનો એડમિન અથવા ક્રિએટર ફક્ત તે કેપેસિટીમાં કામ કરતા ગ્રુપના કોઇ સભ્ય દ્ધારા પોસ્ટ કરવામાં આવેલી કોઇ પણ આપત્તિજનક સામગ્રી માટે વૈકલ્પિક રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં.