મૂળ રાજકોટના સાતુદળ ગામના સંજયસિંહ શીવુભા જાડેજાની પીએસઆઇ તરીકેની પહેલી પોસ્ટીંગ 8 મહિના પહેલા વડોદરામાં થઇ હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનની અલકાપુરી ચોકીમાં ફરજ સોંપાઇ હતી. પીઆઇ હરેશ વોરા વધુ પડતી તપાસો સોંપી ટોર્ચર કરતા હોવાની પીએસઆઇએ તેના મિત્રોને વાત કરી હતી.
2/5
વડોદરાઃ શહેરના પીએસઆઈ અજયસિંહ જાડેજાના આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે. પારુલ યુનિ.ના જયેશ પટેલને જેલમાં મળવા ગયેલા ગૃહવિભાગના બનાવટી અધિકારીની તપાસ મળ્યાના 8 કલાકમાં જ આપઘાત તેમજ સયાજીગંજના પીઆઇ હરેશ વોરાના માનસિક ટોર્ચરના આક્ષેપ સાથે પીએસઆઇના મિત્રે વીડિયો વાયરલ કરતાં સ્યૂસાઇડ પાછળ આ બંને પૈકીનું કારણ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે પોલીસે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.
3/5
આ ઉપરાંત શનિવારે દુષ્કર્મના કેસમાં સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી ડો. જયેશ પટેલને મળવા માટે હિંમતનગરનો સાંકાભાઇ પ્રજાપતિ ગાંધીનગર સચિવાલય સ્થિત હોમ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરીનું બનાવટી ઓળખપત્ર લઇને મળવા આવ્યો હતો. સિનિયર જેલ અધિકારીની તપાસમાં ભાંડો ફૂટતા ધરપકડ કરાઇ હતી. આ કેસની તપાસ રાત્રે 9 વાગે પીએસઆઇ સંજયસિંહ જાડેજાને સોંપાઇ હતી. મોડી રાત્રે પીએસઆઇએ વિવાદાસ્પદ તપાસ તેમને જ આપતા હોવાનો બળાપો કેટલાક પોલીસ કર્મચારીઓ સામે પણ કાઢ્યો હતો અને 8 કલાકમાં જ સ્યૂસાઇડ કરી લીધું હતું.
4/5
બે દિવસ પહેલાજ એક ડોકટર મિત્રને મળીને જાડેજાએ કહ્યું હતું કે, વડોદરામાં એકલો પડી ગયો છું. તે સમયે પી.એસ.આઇ એસ.એસ. જાડેજા ખૂબ ડીપ્રેશનમાં હોવાથી ડોકટરે તેમનુ કાઉન્સીલીંગ કર્યું હતું, અને સાથે સાથે તેમણે ડીપ્રેશનમાંથી બહાર આવવા માટે રેગ્યૂલર ચાલવાની સલાહ આપી હતી.
5/5
જયેશ પટેલને મળવા આવેલા બનાવટી અધિકારી વિરૂદ્ધ શનિવારે રાત્રે 9 વાગે ફરિયાદ નોંધાયા બાદ તપાસ પીએસઆઇ જાડેજાને સોંપતા તેઓ નાસીપાસ થઇ ગયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. રાત્રે તેમણે કેટલાક પોલીસ કર્મચારીઓ સમક્ષ બળાપો કાઢી બધી જ વિવાદાસ્પદ તપાસ મને જ આપે છે તેમ પણ કહ્યું હતું. અગાઉ પત્રકારો સાથેની વાતમાં પણ કામગીરી અંગે નિરાશા વ્યક્ત કરી હતી.