(Source: ECI/ABP News/ABP Majha)
આસારામને સજા બાદ તેમની દીકરીનું મોટુ નિવેદન, 'હું અને મારી સંસ્થા આસારામના આશ્રમથી અલગ છે'
ગાંધીનગરઃ સગીરા પર બળાત્કાર મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ પર ગાંધીનગરની એક કોર્ટમાં યુવતી પર બળાત્કારના અન્ય એક કેસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં હાજરી આપવા તેમની દીકરી ભારતી પણ પહોંચી હતી. આ કેસમાં ભારતી સહઆરોપી છે.
દરમિયાન આસારામને જોધપુર કોર્ટે આપેલી સજા અંગે પૂછતા તેમની દીકરી ભારતીએ કહ્યું કે, હું અને મારી સંસ્થા 17 વર્ષથી અલગથી પ્રવૃતિઓ કરીએ છીએ. આસારામના આશ્રમ અને મેનેજમેંટ વિશે મને કોઈ જાણ નથી. મારે આસારામ સાથે મને કોઈ જ લેવા દેવા નથી.
વધુમાં ભારતીએ કહ્યું કે, આસારામના કેસમાં જોધપુરની લીગલ ટીમ શું કરી રહી છે તેની અમને કોઇ જાણકારી નથી. થોડા થોડા સમયે સંતો પર આવા આરોપ લગાવવામાં આવે છે. માત્ર આસારામ નહીં પરંતુ અનેક સંતો પર આવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
આસારામની પુત્રી ભારતીના આ મોટા નિવેદન બાદ એક મોટો સવાલ ઉભો થયો છે કે જો ભારતી તેમના સાથે નથી તો તેમના ટ્રસ્ટના વારસદાર કોણ હશે. આ કેસની આગામી સુનાવણી ચાર મેના રોજ યોજાશે. ભારતીએ કહ્યું કે, આશ્રમના લોકો સમજે છે કે શું હું બાપુથી અલગ છું અને દુનિયા માને છે કે હું બાપુની સાથે છું.