Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?
કેનેડામાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓનો એક સંઘર્ષનો વીડિયો વાયરલ થયો છે. ઓન્ટારિયોના બ્રેમ્ટનમાં આવેલી તંદુરી ફ્લેમ રેસ્ટોરન્ટની એક ઘટના સામે આવી છે. જેમાં એક હોટલની બહાર હજારોની સંખ્યામાં યુવાનોએ નોકરી માટે લાઈન લગાવી. અહીં રેસ્ટોરન્ટના રસોડામાં કામ કરી શકે તે માટે હાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ નોકરી મેળવવા માટે લગભગ 3 હજાર જેટલા યુવાનોએ પોતાના રિઝ્યુમ આપ્યા. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં સારું જીવન જીવવા અને કમાણી કરવા કેનેડા જવાની ઘેલછા વધી છે. જોકે કેનેડામાં નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એ છે કે વેઈટરીની નોકરી માટે ભારતીયોની લાઈનો જોવા મળી રહી છે. કેનેડામાં કાયમી રહેઠાણ મેળવનારમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની હોવાને કારણે આની સૌથી વધુ અસર પણ ભારતીયો પર થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં કાયમી નિવાસી બની ગયેલા ઇમિગ્રન્ટ્સના સૌથી મોટા જૂથમાં ભારતીયો ટોપ પર છે. ઇમિગ્રન્ટ્સના મજબૂત ધસારાને કારણે કેનેડાની વસ્તીમાં વધારો થયો છે. અહીં જોબ માર્કેટ માત્ર નવા આવનારાઓ પર વધુ કઠોર છે, યુવા બેરોજગારીનો દર પણ ઊંચા સ્તરે છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા આવવાનો રસ ઓછો થઈ રહ્યો છે. કેનેડાએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા 35% ઘટાડવાનો નિર્ણય લીધો છે, જે આગામી વર્ષે 10% સુધી વધુ ઘટી શકે છે.