Hun Toh Bolish: હું તો બોલીશ: આ દરિયો ડૂબાડશે !
દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કેમ કે, દરિયાકાંઠાની જમીનનું દીન પ્રતિદિન ધોવાણ થઈ રહ્યું છે. આ ખુલાસો થયો છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં. ગુજરાતના દરિયાકાંઠાની 765 કિલોમીટરની જમીન એવી છે કે જેનું ધોવાણ થયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7 લાખ 120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ છે. જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે મહિનામાં એક માર્ગદર્શિકા બહાર પાડી હતી. તે દિશામાં રાજ્ય સરકારે ખારાશ નિવારણને લઈને કામગીરી કરતા 87 હજાર 860 હેક્ટર જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછું થયું હતું. બીજી તરફ નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઈન ચેન્જનો રિપોર્ટ છે કે, ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે જમીનનું ધોવાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે. ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠી, વીરડી, થાલસર અને ગોધામાં જમીનનું ધોવાણ થયું છે. જ્યારે ગીર સોમનાથમાં આદ્રી અને નવાપરામાં જમીન ધોવાઈ રહી છે. જૂનાગઢ વિસ્તારમાં દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઈ રહી હોવાનું તારણ બહાર આવ્યું છે. ટૂંકમાં કુદરતી કારણોની સાથે સાથે વધતા ઔદ્યોગિકીકરણ અને ગેરકાયદેસર માઈનિંગ, વૃક્ષછેદન જેવી માનવસર્જિત પ્રવૃત્તિઓને લીધે દરિયાકાંઠે સ્થિતિ ચિંતાજનક બની છે. જો સરકાર આ દિશામાં ગંભીરતા નહીં દાખવે તો, ગુજરાતના દરિયાકાંઠાને દરિયો ગળી જશે.





















