Hun To Bolish : હું તો બોલીશ : કોરોના રિટર્ન?
શું દેશમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. આ ચર્ચા આજે એટલા માટે કારણ કે, એશિયાના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ચીન, સિંગાપોર, હોંગકોંગ અને થાઇલેન્ડમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આનું કારણ ઓમિક્રોનનો JN.1 પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને હવે તેની અસર વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળી રહી છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 34 કેસ નોંધાયા છે...આજે એક જ દિવસમાં કોરોનાના 21 કેસ વધ્યા. 34 પૈકી 32 કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા. 1 કેસ અમદાવાદ ગ્રામ્ય અને 1 રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો કેસ નોંધાયો. રાજકોટ શહેરના ન્યુ ઓમનગર વિસ્તારમાં વિદેશથી પરત આવનાર 43 વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો. હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન છે. નોંધાયેલા તમામ 34 કેસ ઓમિક્રોન વેરિયન્ટના છે. હોંગકોંગ, સિંગાપોરમાં દેખાયેલા નવા JN.1 વેરિયંટનો એક પણ કેસ નથી. તો બીજી તરફ કોરોનાના કેસ વધતા પ્રશાસન એલર્ટ થયું છે. હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે.




















