Hun To Bolish : હું તો બોલીશ : કરોડો પાણીમાં !
પાલનપુરમાં રાજીવ આવાસ યોજના હેઠળ 45 કરોડ 37 લાખના ખર્ચે 1 હજાર 392 આવાસ બનાવવામાં આવ્યા હતા. આવાસનું કામ 2018માં પૂરું કરવાનું હતું અને 2019માં ફાળવી દેવાના હતા. જો કે, જગ્યના હેતુફેરને લઈને વિવાદ થયો. જેના કારણે આવાસ ન ફાળવાતા લાભાર્થીઓને ભોગવવાનું આવ્યું. કરોડોના ખર્ચે બનેલા આ આવાસ હવે ધૂળ ખાઈ રહ્યા છે. લાભાર્થીઓએ મકાન મેળવવા માટે જે તે સમયે 7 હજાર રૂપિયા આપ્યા હતા. જેથી 100 જેટલા લાભાર્થીઓ પાલનપુર નગરપાલિકા કચેરીએ પહોંચ્યા અને માગ કરી કે આવાસ ન આપો તો 7 હજાર રૂપિયા જે આપ્યા હતા.. તે પરત આપો..
આણંદ જિલ્લાના રાસ ગામે સરકારે શુદ્ધ પાણી માટે વાપરેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા. વર્ષ 2012માં આશરે 15 કરોડના ખર્ચે રાસ ગામ સહિત આજુબાજુના 15 જેટલા ગામો તેમજ તે ગામોના તાબામાં આવતા 22 જેટલા પરા વિસ્તારોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. તેની સાથે પાણીની પાઈપલાઈન અને પાણીની ટાંકીઓ પણ બનાવવામાં આવી હતી. અને શુદ્ધ પાણી પહોંચાડી ગ્રામ પંચાયત પાસેથી 1 હજાર લીટર શુદ્ધ પાણીના બે રૂપિયા વસૂલવામાં આવતા હતા. જો કે, શરૂઆતમાં ગામોએ શુદ્ધ પાણી વેચાતું લીધું. પરંતુ પ્લાન્ટ થકી આવતા આ શુદ્ધ પાણીને લઈ થોડા જ સમયમાં સવાલો ઉભા થયા. સરપંચોએ ભેગા મળીને તપાસ કરી તો શુદ્ધ પાણીના નામે બોરનું પાણી આપવામાં આવતું હતું. જેથી તમામ ગ્રામ પંચાયતો અને પરા વિસ્તારે પાણી લેવાનું બંધ કર્યું. જેથી હવે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે.





















