પતંગરસિયાઓ માટે મોટા સમાચાર! ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, અંબાલાલ પટેલની મોટી આગાહી
પતંગરસિયાઓ માટે મોટા સમાચાર છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પવનની દિશા અને ગતિને લઈ આગાહી કરી છે.

ગાંધીનગર : પતંગરસિયાઓ માટે મોટા સમાચાર છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પવનની દિશા અને ગતિને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં સારો પવન રહેશે, પતંગરસિકો ઉત્તરાયણની મજા માણી શકશે. ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે. સવારના સમયે (સવારે 7 થી 11 વાગ્યા સુધી)પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક રહેશે. જે પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન રહેશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, અમદાવાદ અને મહેસાણામાં 7 થી 9 કિમી પવનની ઝડપ રહેશે. મહુવા, ભાવનગર અને પોરબંદર પવનની ગતિ વધુ સારી રહેશે. આ સિવાય સુરત, રાધનપુર અને જામનગર આશરે 9 કિમી પવનની ઝડપ રહેશે. વિરમગામમાં 10 કિમી આસપાસ રહેવાની તેમણે આગાહી વ્યક્ત કરી છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ગતિ સારી રહેશે
દરિયા કિનારાના વિસ્તારોમાં 13 કિમી સુધી પવનની ઝડપ રહેશે. બપોર અને સાંજના સમયે પવનની ગતિ 6થી 7 કિમી રહેશે. થોડી ધીમી પણ પતંગ ઉડી શકશે તેવો પવન રહેવાની આગાહી કરવામાં આવી છે. 15 જાન્યુઆરી માટે પણ આગાહી કરવામાં આવી છે. આ દિવસે સવારે પવનની ગતિ ઓછી રહેશે. જ્યારે દિવસ દરમિયાન પવનમાં વધઘટ જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, આ વખતે ઉત્તરાયણના દિવસે પતંગબાજી માટે સમય સારો અને સાનુકૂળ રહેશે. ખાસ કરીને સવારના સમયે અને દરિયા કિનારે પવનની ઝડપ સારી રહેશે.
14 -15 જાન્યુઆરી આકાશમાં પવનની ગતિ સારી રહેશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસે પતંગરસિકોને પવન નિરાશ નહીં કરે. હવામાનના વરતારા મુજબ, 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ આકાશમાં પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે, જેથી લોકો મન મૂકીને પતંગ ઉડાવી શકશે. જોકે, પવનની પેટર્ન સમજવી જરૂરી છે. આગાહી મુજબ, વહેલી સવારે પવનની ગતિ થોડી ધીમી રહી શકે છે, પરંતુ જેમ-જેમ દિવસ પસાર થશે અને સૂર્યનારાયણ ઉપર આવશે તેમ પવનનું જોર વધશે. ખાસ કરીને બપોર બાદ પવનની ગતિમાં વધ-ઘટ જોવા મળી શકે છે, પરંતુ એકંદરે પતંગ ચગાવવા માટે વાતાવરણ સાનુકૂળ રહેશે.
અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને પણ આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને હિમાચલમાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોની અસર ગુજરાત પર જોવા મળશે, જેના કારણે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.





















