Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં થયો રોડનો મેકઅપ?
આપણા અમદાવાદમાં શનિવારે સાંજે સિતારાઓનો મેળાવડો થયો. શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કરણ જૌહર, કાજોલ, આલિયા ભટ્ટ, ક્રિતી સેનો જેવા કેટકેટલા સિતારા માનીલો કે આકાશમાંથી ફિલ્મી તારા મારા અમદાવાદના મણીનગરમાં આવી ગયા. તારા એટલે ચમકીલા. આયોજન હતું મણીનગરના એક્કા ક્લબમાં ફિલ્મ ફેર એવોર્ડનું. સ્વાભાવિક રીતે જ, ફિલ્મ ફેર એવોર્ડ હોય અને સિતારાઓનો જમાવડો હોય તો ક્લબની અંદર ચમક દમક તો હોય જ. પણ આ ચમક અદભુત રહી. કેમ કે, આયોજન ફિલ્મ ફેરનું હતું પણ ચમકી ગયા આ વિસ્તારના ક્લબ સુધી લઈ જતા રોડ-રસ્તા. લાલુ યાદવ કહેતા હતા કે, બિહારના રસ્તા એક હિરોઈનના ગાલ સમાન.. પછી તેમના વિરોધીઓએ કહ્યું કે, તેમના શાસનમાં તો રોડ રસ્તાની હાલત ઓમ પુરીના ગાલ જેવી છે. જો કે, મારા ગુજરાતના રોડ રસ્તા કોના જેવા એ તો દર્શક જ નક્કી કરે. પણ એ હું ચોક્કસથી કહું છું. ફિલ્મ ફેર એવોર્ડ જ્યાં થયો તેના આજુબાજુમાં ફેરો મારી આવો એક ખાડો જોવા નહીં મળે. રોડ ઉપર સાઈન બોર્ડ, પટ્ટા, બધુ નવું નકોર. થયો ને ચમત્કાર. અને પાછો રાતો રાત. માનવામાં ન આવતું હોય તો, જુઓ આખી રાત કેવો રોડ રિપેર થતો રહ્યો . કલાકારો મેકઅપ કરે ને શોમાં કે શૂટીંગમાં જતા પહેલા. ઠીક એ જ રીતે વિસ્તારના રોડ રસ્તા પર ડામરનો મેકઅપ લાગી ગયો. અને આ પ્રેરણા પણ કલાકારોમાંથી જ મળી. કેમ કે, એડવાન્સમાં મેકઅપ લગાવો તો ગમે ત્યારે ખરાબ થઈ જાય. એટલે જ કદાચ છેલ્લી ઘડીએ કોર્પોરેશન દોડ્યું. અને સિતારાઓની ગાડી ફાઈવસ્ટાર હોટલમાંથી એવોર્ડના સ્થળે પહોંચે તે પહેલા તેમને કોઈ તકલીફ ન પડે તેની કાળજી રખાઈ. જો કે, સ્થાનિક લોકો તો એમ જ કહેતા જોવા મળ્યા કે દર ચોમાસા પછી અમારા વિસ્તારમાં આ પ્રકારનો શો યોજાવો જ જોઈએ.





















