Hun To Bolish : હું તો બોલીશ : માનવસર્જિત આફત !
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ મનપાનો ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રંટ તણાયો. નાયકા ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા ખોલી પાણી છોડાતા ભોગાવો નદીમાં પાણીની ભારે આવક થઈ. અને નદીમાં પૂર આવતા રિવરફ્રંટ પરની વોલ તૂટી. પાણીના પ્રવાહ સાથે ડામર રોડ પણ ધોવાયો. ભોગાવો નદી પર વર્ષ 2016માં 12 કરોડના ખર્ચે રિવરફ્રંટ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જે પ્રથમ ચોમાસું આવ્યું ત્યારે રિવરફ્રંટમાં જે પુરાણ કરેલું હતું તે ધોવાઈ ગયું. ફરીથી કોન્ટ્રાક્ટરે કામગીરી કરીને 2018માં લોકો માટે રિવરફ્રંટ ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ 2019માં વરસાદના કારણે ભોગાવો નદીમાં જળસ્તર વધતા જિલ્લા પંચાયતથી આર્ટ્સ કોલેજ સુધીનો નિર્માણ પામેલ રિવરફ્રંટ ધોવાઈ ગયો. બાદમાં ફરી નગરપાલિકાએ ડામરની કામગીરી કરી અને રિવરફ્રંટને કાર્યરત કરવામાં આવ્યો. ત્યારથી અત્યારસુધીમાં જ્યારે જ્યારે ભોગાવો નદી બે કાંઠે વહે એટલે રિવરફ્રંટનું ધોવાણ થઈ જાય છે. વર્ષ 2024માં પણ રિવરફ્રંટના રસ્તાઓનું ધોવાણ થયું હતું. તેમાં ડામરની કામગીરી કરી હોવાનું હજુ ચાર મહિના જ થાય છે ત્યારે ફરી ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદના કારણે ધોવાણ થયું. હાલ તો મનપાએ કામચલાઉ કપચી અને મેટલ નાખી ખાડાઓ પૂરી વાહનવ્યવહાર ચાલી શકે તેવી કામગીરી કરી છે. રિવરફ્રંટ બનવાને કારણે નદી સાંકળી થઈ છે. જેના કારણે રિવરફ્રંટ ઉપરથી પાણી ફરી વળે છે અને ગામમાં પણ પાણી ઘૂસવાના બનાવો વધી રહ્યા છે.





















