Hun to Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધા ફેલાવી તો જેલમાં જવાનું નક્કી
માનવ બલિદાન અને બીજી અમાનુષી,અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવાનું વિધેયક વિધાનસભામાં સર્વાનુમેત પસાર થયું. આ વિધેયક વિધાનસભામાં રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં કેટલાય પરિવારોએ પોતાના પરિવારના સદસ્યો અને પોતાના બાળકો અને ખાસ કરીને બહેન દીકરીઓ આ કાળા જાદુ અને બીજી અમાનુષી પ્રવૃત્તિઓ મારફતે ગુમાવ્યા છે. આ કાયદાથી કાળા જાદુ કરતા ઢોંગીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ થકી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે. તેમણે 4 અંધશ્રદ્ધાના કિસ્સા પણ ગૃહમાં રજૂ કર્યા. પહેલો કિસ્સો બનાસકાંઠાનો કહ્યો. કે જ્યાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાખવામાં આવી. બીજો કિસ્સો ગીર સોમનાથનો કહ્યો, કે 14 વર્ષની દીકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી ખેતરમાં દીકરીને 2 કલાક આગ પાસે ઉભી રાખવામાં આવી. બાદમાં દાજેલી દીકરીને 4-5 દિવસ સુધી ખેતરમાં જ ભુખ્યા બાંધીને રાખતા મોત થયું. ત્રીજો કિસ્સો અરવલ્લીનો કહ્યો, જ્યાં ડાકણના વહેમમાં 70 વર્ષના દાદીમાની હત્યા પોતાના જ પૌત્રએ કરી. ચોથો કિસ્સો સુરતનો કહ્યો, જ્યાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરીક શોષણ કર્યું.