Hun to Bolish | હું તો બોલીશ | ગામ ગામ માફિયા રાજ
અમરેલીનું સાવરકુંડલા તાલુકા. જ્યાં જીરા અને આંબા ગામ વચ્ચેથી વહે છે શેત્રુંજી નદી. જેમાંથી રાત-દિવસ ખનીજ માફિયાઓ કરી રહ્યા છે રેતીની ચોરી. આ મુદ્દે જીરા ગામના મહિલા સરપંચે મોરચો માંડ્યો છે. મહિલા સરપંચ દક્ષાબેને ગામમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ જાહેર કર્યા. જેમાં ડમ્પરથી બેફામ રેતી ચોરી થઈ રહી છે. સરપંચ દક્ષાબેનના અનુસાર, તેમણે અગાઉ ખાણ-ખનિજ વિભાગને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન કરાઈ. જેને લઈ દક્ષાબેને આરોપ લગાવ્યા કે ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓની પણ ખનીજ માફિયાઓ સાથે મિલીભગત છે. બેફામ રેતી ચોરીના કારણે ગામના રસ્તા તૂટી ગયા છે. તો ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈનને પણ નુકસાન થયું છે. જીરા ગામની પાસે આવેલા આંબા ગામ પણ ખનીજ માફિયાથી પરેશાન છે. આંબા ગામના સરપંચના પતિએ તો રસ્તો બંધ કરી દીધો હતો. પરંતુ ખનીજ માફિયાઓ બીજી જગ્યાએથી રેતીની ચોરી કરવા લાગ્યા. રેતી ચોરી અટકાવવા જીરા ગામના લોકોએ અગાઉ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ પ્રશાસને રેતી ચોરી અટકાવવાની ખાતરી આપતા ચૂંટણી પર્વમાં ગ્રામજનો જોડાયા હતા...ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી રેતીની ચોરી શરૂ થઈ ગઈ છે. એવામાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે, જો રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો તેઓ જનતા રેડ પાડી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરશે.