Hun To Bolish | હું તો બોલીશ | બાટલીના વેપારમાં બાળકો કેમ?
બુટલેગરોએ હવે દારૂની હોમ ડિલિવરી કરવા માટે નવો કીમીયો અપનાવ્યો છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવી રહી છે. આ માટે નાનાં બાળકોને મહિને 8,000 પગાર અને એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. આ રેકેટ છેલ્લા બે મહિનાથી ચાલતું હતું. અને તેનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બોડકદેવ પોલીસ પેટ્રોલિંગમાં હતી...અને નર્મદા આવાસ પાસે ટૂવ્હીલર પર જતા એક બાળકને તેમણે રોક્યું. બાળકની વ્હીકલની તપાસ કરતા પોલીસને તેમાંથી દારૂની બોટલો મળી આવી પોલીસે વધુ પૂછપરછ કરી તો આ બાળકે અંકિત પીતાંબર પરમાર નામના વ્યક્તિએ તેને દારૂની ડિલિવરી કરવાનું કબૂલ્યું. બાળકનું કહેવું હતું કે, આ વ્યક્તિએ તેને દર મહિને 8 હજાર રૂપિયા અને દારૂની એક બોટલ પર 200 રૂપિયાનું કમિશન આપવાની વાત કરી હતી. સાથે કહ્યું હતું કે, તુ નાનો હોવાથી તને રસ્તામાં પોલીસ રોકશે નહીં અને કોઈ કેસ થશે નહીં. આ વાતમાં આવીને આ બાળકે દારૂની ડિલિવરી કરવાની શરૂ કર્યું. હાલ આ અંગે પોલીસે બાળકની અટકાયત કરી મુખ્ય આરોપી બુટલેગર અંકિત પરમારની શોધખોળ શરૂ કરી છે.