BSPએ ખોલી UP પોલીસની પોલ, ડાયલ 100ની કાર પર દારૂ પીતા જોવા મળ્યા પોલીસ જવાન
લખનઉઃ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યની ડાયલ 100 સેવાનો ખૂબ પ્રચાર કર્યો હતો. અખિલેશે વડાપ્રધાન મોદીને જવાબ આપતા કહ્યુ હતું કે, રાજ્યના પોલીસ સ્ટેશન ડાયલ 100 કરવા માત્રથી મળી જાય છે પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં અખિલેશના આ દાવાની પોલ ખૂલી ગઇ છે.
ઘટના શામલી જિલ્લાની છે. અહીં હોળીના દિવસે ડાયલ 100 નંબરની પોલીસ કાર પર તૈનાત પોલીસ કર્મચારીઓ રસ્તા વચ્ચે કાર પીને હોબાળો મચાવે છે. માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે પોલીસ કાર ડાયલ 100 પર તૈનાત પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ દારૂ પીતા જોવા મળી રહ્યા છે.
જેમાં એક પોલીસ કર્મચારી કહે છે કે આ પોલીસનો તહેવાર છે અને અમે ડ્યુટી પણ કરીશું અને તહેવાર પણ મનાવીશું. આ વીડિયો વાયરલ થયા બાદ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ડાયલ 100 સેવા દેશનો પ્રથમ પેપરલેસ કંન્ટ્રોલ રૂમ બની ગયો છે. ફોન કોલ કર્યા બાદ ફક્ત 10 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જાય છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.