મહેસાણામાં રાહુલનો આરોપ- ઇન્કમટેક્સ વિભાગની રેડ બાદ સહારા ગ્રુપે મોદીને 40 કરોડ રૂપિયા આપ્યા
નવી દિલ્લીઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહેસાણામાં એક વિશાળ રેલીને સંબોધી હતી. રેલીમાં એક લાખ કરતા પણ વધુની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ નોટબંધી, બ્લેકમની સહિત અનેક મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ મોદી પર સહારા ગ્રુપ પાસેથી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા રાહુલે જણાવ્યુ હતું કે, સહારા ગ્રુપ પર ઇન્કમટેક્સની રેડ બાદ છ મહિનામાં 9 વખત વડાપ્રધાન મોદીને પૈસા આપવામાં આવ્યા છે. રાહુલે આરોપ લગાવ્યો કે અઢી વર્ષ અગાઉ બનેલી આ ઘટનામાં હજુ સુધી કેમ તપાસ કરવામાં આવી નથી.
રાહુલે વિગતવાર માહિતી આપતા કહ્યુ કે આયકર વિભાગના રેકોર્ડ પ્રમાણે, 30 ઓક્ટોબર 2013ના રોજ અઢી કરોડ રૂપિયા, 12 નવેમ્બર 2013ના રોજ 5 કરોડ, 27 નવેમ્બર 2013ના રોજ અઢી કરોડ, 29 નવેમ્બર 2013ના રોડ પાંચ કરોડ, 6 ડિસેમ્બર 2013ના રોજ પાંચ કરોડ રૂપિયા, 19 ડિસેમ્બરના રોજ પાંચ કરોડ રૂપિયા, 13,જાન્યુઆરી 2014ના રોજ પાંચ કરોડ, 28 જાન્યુઆરી,2014ના રોજ પાંચ કરોડ, 22 ફેબ્રુઆરીના રોજ 2014 5 કરોડ રૂપિયા સહારા ગ્રુપ દ્ધારા વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા.
રાહુલે આરોપ લગાવ્યો હતો કે બિરલા ગ્રુપના રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યુ છે કે 25 કરોડ રૂપિયા મુખ્યમંત્રી મોદીને આપવામાં આવ્યા છે જેમાંથી 12 કરોડ આગળ પ્રશ્વાર્થ કરવામાં આવ્યો છે. રાહુલે કહ્યુ કે તેનો અર્થ શું થાય છે. આ તમામની જાણકારી આયકર વિભાગ પાસે છે મોદી આ મામલે દેશને સચ્ચાઇ જણાવે.