(Source: ECI/ABP News/ABP Majha)
Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીને સન્માનિત કરાયા
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ છેલ્લા 6 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન બદેલ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીનું વિશેષ અસ્મિતા મહાસન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું . સોશલ મિડીયાના સદુપયોગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે સુરતના બારડોલીના નીતિન જાની. રમૂજી વિડીયો બનાવી યુટ્યુબ પર અપલોડ કરી ખુબ નામ અને દામ કમાનાર આ યુવકના જીવનની દિશા તાઉતે વાવાઝોડાએ બદલી. યુ-ટ્યૂબથી કમાયેલા રૂપિયાનો મોટો ભાગ ખર્ચી અનેક ગરીબો માટે ઘર બનાવ્યા. તેના વીડિયો અપલોડ કર્યા તો વધ્યા ફોલોવર્સ, વધ્યા વ્યૂઝ. સાથે જ વધી આવક. બસ આ જ આવકને ફરી સમાજ સેવા માટે ઉપયોગ કરી અનેક એવા બાળકોને ઘર બનાવી આપ્યા જેઓ છત વિહોણા અને નિરાધાર હતા. હવા-ઉજાસ,વીજળી,પાણી અને ગેસની સુવિધાવાળા 300થી વધુ મકાન બનાવીસમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું. કોઈ નિરાધાર છે એ સમાચાર મળતા જ નિતિનભાઈ સરસામાન લઈ જાતે પહોંચી ગણતરીના દિવસોમાં બનાવી આપે મકાન. તૈયાર કરેલા મકાનમાં ગૃહપ્રવેશ કરાવવાની સાથે સાથે બાળકોના શિક્ષણ અને ભવિષ્યની પણ કરી આપે છે વ્યવસ્થા. નાની ઉંમરે સ્વબળે નિરાધારોનો આધાર બનેલા નીતિન જાનીને જોઈ સમાજ સેવા ક્ષેત્રે અન્ય યુવકો પણ આવી જ રીતે પ્રેરિત થાય તે માટે તેમનું સન્માન કરતા એબીપી અસ્મિતા ખજૂર જેવી મીઠાશની લાગણી અનુભવે છે.