Ahmedabad News: વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો, જુલાઈમાં ડેંગ્યૂના 10 અને કોલેરાના 6 કેસ નોંધાયા
વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં વકર્યો રોગચાળો. અમદાવાદમાં જુલાઈમાં ડેંગ્યૂના 10 કેસ નોંધાયા છે. રામોલ, વટવા, હાથીજણ અને સરસપુરમાં કોલેરાના 6 કેસ નોંધાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ રહેણાંક વિસ્તારમાં મચ્છરના બ્રિડની તપાસ શરૂ કરશે.
અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ રોગચાળાના આંકડા ભયાવહ બન્યા છે. માત્ર આ મહિનામાં જ ડેન્ગ્યુ ના 10 કેસ નોંધાયા છે, જે મચ્છરજન્ય રોગોના વધારાનો સંકેત આપે છે. આ ઉપરાંત, રામોલ, વટવા, હાથીજણ અને સરસપુર જેવા વિસ્તારોમાં કોલેરા ના 6 કેસ સામે આવ્યા છે, જે પાણીજન્ય રોગોની ગંભીરતા દર્શાવે છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઝાડા-ઉલટીના 184 કેસ, ટાઈફોઈડના 92 કેસ અને કમળાના 69 કેસ પણ નોંધાયા છે, જ્યારે સાદા મેલેરિયાના 4 કેસ પણ સામે આવ્યા છે. ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોલેરા જેવા રોગોના પ્રસાર માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે. AMC નું આરોગ્ય વિભાગ હવે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને ભોંયરાઓમાં મચ્છરના બ્રિડિંગ સ્પોટ્સની તપાસ અને નિયંત્રણ અભિયાન શરૂ કરશે.


















