Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની મનમાની ચાલશે નહીં. FRCએ 5,780 શાળાની નિયત ફી ઓનલાઈન જાહેર કરી હતી. ખાનગી શાળાઓ FRCએ નક્કી કરેલી ફી છૂપાવી વાલીઓ પાસેથી વધુ રકમ વસૂલતી હોવાની અનેક ફરિયાદો સામે આવી હતી. ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો હતો. અમદાવાદ સહિત ગુજરાતની 5,780 ખાનગી શાળાની નિયત ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી હતી. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છૂપાવી શકશે નહીં અને વાલીઓ ઘર બેઠાં જ સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે. વાલીઓ FRCની સત્તાવાર વેબસાઇટ frcgujarat.org પર જઈ જિલ્લો/મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ પસંદ કરીને ફીનો ઓર્ડર જોઈ શકશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્થિતિ વધુ કડક બની છે. હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. નવા ઓર્ડરમાં એડમિશન કે ટર્મ ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી, એટલે નિયત ફી સિવાય એક પણ રૂપિયો વસૂલવાનો રસ્તો બંધ થયો છે.



















