(Source: ECI/ABP News/ABP Majha)
Ganesh Chaturthi 2024: આજથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ, વિધ્નહર્તાને આવકારવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ
આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. વિધ્નહર્તાને આવકારવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અમદાવાદમાં 800થી વધુ સ્થળે નાના-મોટા પંડાલો લાગ્યા છે. તો વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી. દાંડિયાબજારથી શરણાઈના સુર સાથે યાત્રા રાજમહેલ પહોંચી. વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસમાં મૂકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. અને મૂર્તિ બનાવવાની આ પરંપરા આજે પણ કાશીના પંડિતોએ જાળવી રાખી છે. અને 90 કિલોની 36 ઇંચની ગણેશજીની પ્રતિમા તૈયાર કરી. પેલેસમાં 10 દિવસ સુધી આરાધના કરાશે. અને શહેરીજનો પણ દર્શન કરી શકશે. તો આ તરફ રાજકોટમાં 6 હજારથી વધુ સ્થળોએ ગણેશ સ્થાપના કરાશે. રાજકોટમાં મેયર બંગલોથી શોભાયાત્રા નીકળી અને રેસકોર્સમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. છેલ્લા 16 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આ આયોજન કરે છે. મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડૉ.દર્શીતાબેન, સંગઠનના હોદ્દેદારો અને મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ શોભાયાત્રામાં ઉપસ્થિત છે. મહિલા હોદ્દેદારોએ ગરબાની રમઝટ બોલાવી. ગુજરાતની સાથે દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં લાલ બાગ ચા રાજાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે. તો સિદ્ધવિનાયક મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.