Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર
રાજ્યમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે સંઘ પ્રદેશ દીવ સહિત રાજ્યના નવ શહેરોનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીની અસર જોવા મળી રહી છે. ગુરૂવારે કેશોદમાં સૌથી નીચું 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે અમરેલીમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી પર પહોંચ્યું હતુ. આ તરફ વડોદરામાં 18 ડિગ્રી, તો મહુવામાં 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સંઘ પ્રદેશ દીવમાં 18.2 ડિગ્રી, તો નલિયામાં 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 19.1 ડિગ્રી, પોરબંદરમાં 19.3 ડિગ્રી, ડીસામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ તરફ અમદાવાદમાં 20.8 લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજથી ઠંડીનો ચમકારો વધી શકે છે અને આગામી પાંચ દિવસ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 18 સુધી પહોંચવાની શક્યતા છે.