Gujarat Weather Forecast: આગામી 24 કલાક ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં વરસાદનું એલર્ટ છે. આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગાહી અનુસાર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ,છોટાઉદેપુર,નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. આગામી 26-29 મે સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આવતીકાલથી પવનનું જોર વધશે. આ સમયગાળા દરમિયાન 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
26થી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


















