વરસાદનું પાણી આવતા ગુજરાતની આ નદી પર છવાઇ સફેદ ચાદર, સોમનાથ મહાદેવને આ નદીના પાણીથી કરાય છે અભિષેક
ગીર સોમનાથઃતાલાલા ગીરની હિરણ નદી પ્રદુષિત થઇ છે. હિરણ નદીમાં વરસાદના કારણે આવેલાં નવા નીર ફીણ સાથે આવતાં આખી નદી પર ફીણની ચાદર છવાઈ ગઈ હતી પ્રથમ વરસાદમાં ચેકડેમ પર કેમિકલયુક્ત પાણીના કારણે ફીણની ચાદર છવાઈ જતાં સ્થાનિકો દંગ રહી ગયા હતા. હિરણ નદીમાં શહેરનું કેમિકલ યુક્ત ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતા નદી પર ફીણની ચાદર છવાઇ ગઇ હતી.
હિરણ નદી નું પાણી સિંહ સહિતના વન્ય પ્રાણીઓ, સિંચાઈ, તેમજ ત્રણ તાલુકામાં પીવા માટે આપવામાં આવે છે. તે સિવાય પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ હિરણ નદીનું જ પાણી અભિષેકમાં વપરાય છે. સિંચાઈ વિભાગ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જેને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્ધારા જરૂર જણાશે તો કડક કાર્યવાહીની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.




















