Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થશે. આજે એક માત્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારમાં માત્ર હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠા, વલસાડ અને કચ્છમાં મેઘરાજાના તાંડવ બાદ આજથી લોકોને રાહત મળશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો. કચ્છના સરહદીય વિસ્તાર લખપતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6.26 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે બનાસકાંઠાના ભાભરમાં 5.28 ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત રાપરમાં 4.76, ભચાઉમાં અને નખત્રાણામાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ગાંધીધામમાં 3.74 ઈંચ, ભુજમાં 3.39, અંજારમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો. સાંતલપુરમાં 2.75, અબડાસામાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે રાધનપુરમાં 2.28, મોરબીના માળિયા મિયાણામાં 2.17, થરાદમાં 2.01, દિયોદરમાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે વાવમાં 1.65 ઈંચ તો કચ્છના માંડવીમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો.



















