Delhi Red Fort Blast: લાલ કિલ્લા બ્લાસ્ટ તો માત્ર ટ્રેલર હતું? પાકિસ્તાનનું અસલી 'ભયાનક ષડયંત્ર' આવ્યું સામે, જાણીને ધ્રૂજી જશો!
10 નવેમ્બરના વિસ્ફોટ બાદ તપાસનો રેલો શ્રીનગરથી ફરીદાબાદ સુધી પહોંચ્યો, હાઈ-ટેક ડ્રોન અને વિસ્ફોટકો સાથે ડોક્ટરોની ધરપકડ.

Delhi terror blast: દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટની તપાસમાં એક અત્યંત ગંભીર અને ડરામણો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે કે આતંકવાદીઓ માત્ર એક વિસ્ફોટ સુધી સીમિત નહોતા, પરંતુ તેઓ સમગ્ર ભારતમાં મોટા પાયે હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ માટે તેઓ પાકિસ્તાનથી આયાત કરાયેલા 'લોંગ રેન્જ ડ્રોન' (Long-range drones) નો ઉપયોગ કરવાની તૈયારીમાં હતા. પોલીસે આ ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને શ્રીનગર અને ફરીદાબાદમાંથી મહત્વના આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઉચ્ચ શિક્ષિત ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે.
ડ્રોન દ્વારા તબાહી મચાવવાનો 'માસ્ટર પ્લાન'
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, પાકિસ્તાનમાં બેઠેલા આતંકી હેન્ડલર્સ ભારતમાં એક મોટી આયાત કંપની મારફતે ડ્રોનના સ્પેરપાર્ટ્સ મોકલવાની ફિરાકમાં હતા. આ કોઈ સામાન્ય ડ્રોન નહોતા, પરંતુ 10 kg સુધીનો વજન ઉચકીને લાંબા અંતર સુધી ઉડી શકવા સક્ષમ હતા. આતંકીઓની યોજના એવી હતી કે બીજા દેશની નિકાસ કંપની દ્વારા ડ્રોનના અલગ-અલગ ભાગો ભારતમાં લાવવામાં આવે અને પછી અહીંનું સ્લીપર સેલ તેને એસેમ્બલ કરે. આ પદ્ધતિ બિલકુલ ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી જેવી જ છે. પકડાયેલા મોડ્યુલનું કામ આ ડ્રોનને તૈયાર કરીને હુમલા માટે સજ્જ કરવાનું હતું.
શ્રીનગરના પોસ્ટરોથી ખૂલ્યો તપાસનો માર્ગ
આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ શ્રીનગરના નૌગામ વિસ્તારમાંથી થયો હતો. ત્યાંની દિવાલો પર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંબંધિત ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની વાત હતી. આ ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ડૉ. જી.વી. સંદીપ ચક્રવર્તીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજના આધારે પોલીસે આરીફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસીર ઉલ અશરફ અને મકસૂદ અહેમદ ડાર ઉર્ફે શહીદને દબોચી લીધા હતા.
ફરીદાબાદ કનેક્શન: ડોક્ટરો બન્યા આતંકી?
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મૌલવી ઇરફાન અહેમદનું નામ ખુલ્યું હતું, જેના પર યુવાનો અને ખાસ કરીને ડોક્ટરોને બ્રેઈનવોશ કરીને આતંકવાદ તરફ વાળવાનો આરોપ છે. મૌલવીની પૂછપરછ બાદ પોલીસની ટીમ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી પહોંચી હતી. ત્યાં દરોડા દરમિયાન મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી ડૉ. મુઝફ્ફર ગનાઈ અને ડૉ. શાહીન સઈદની ધરપકડ કરી છે, જેઓ આ ષડયંત્રમાં સામેલ હોવાનું મનાય છે.
10 નવેમ્બરનો ગોઝારો દિવસ
ઉલ્લેખનીય છે કે, ગત 10 November ના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં આ એક આત્મઘાતી હુમલો (Suicide Attack) હોવાનું સામે આવ્યું હતું, જેમાં વાહનને વિસ્ફોટકોથી ભરી દેવામાં આવ્યું હતું. આ દર્દનાક ઘટનામાં 12 નિર્દોષ લોકોના મોત થયા હતા. એજન્સીઓ હવે આ ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે જેથી ભવિષ્યના ખતરાને ટાળી શકાય.





















