(Source: ECI/ABP News/ABP Majha)
Arjun Modhwadia | મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે મોઢવાડિયા પહોંચ્યા દિલ્હી, રાજકારણમાં ગરમાવો
ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અર્જૂન મોઢવાડિયાની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ હતી.
અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જો કે અન્ય નેતાઓની જેમ જ મોઢવાડિયાએ આ સૌજન્ય મુલાકાત ગણાવી હતી...
પરંતુ આ મુલાકાતના ફોટા તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. લોકસભાની સાથે સાથે યોજાયેલી રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપની ટિકિટ પર પોરબંદરથી ચૂંટણી જીત્યા છે. તેમનો લાંબો રાજકીય અનુભવ હોવાના કારણે તેમને મંત્રી બનાવાય તેવી ચર્ચા તે ભાજપમાં જોડાયા ત્યારથી જ ચાલી રહી છે. હાલ રાજ્યમંત્રી મંડળ માત્ર 17 સભ્યોનું છે ત્યારે હજુ પણ મંત્રીમંડળમાં નવ જેટલા મંત્રીઓને સામેલ કરી શકાય તેમ હોવાથી વિસ્તરણને લઈને અટકળો હંમેશા થતી રહી છે. જો કે ભાજપની સરકારમાંથી વિસ્તરણની વાતને ક્યારેય સમર્થન મળ્યું નથી.