Rajkot TRP Game Zone Fire: અત્યાર સુધીમાં 13 DNA મેચ થતા પરિવારને સોંપાયા
રાજકોટમાં શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યે TRP ગેમઝોનના ડોમમાં ગુનાહિત બેદરકારીના કારણે ભડભડ બળતી ભઠ્ઠીમાં ફેરવાઈ જતા 28 નિર્દોષ નાગરિક જીવતા ભૂંજાઈ જવાની ઘટનાના 48 કલાક બાદ અત્યંત સળગી ગયેલા 15 મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે 13 મૃતદેહની ઓળખ થઈ હોવાથી પરિવારને સોંપાયા છે. TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગના કારણે માનવ અંગોને આધારે મૃતદેહોની ઓળખ માટે 32 જેટલા સેમ્પલ લેવાયા હતાં. એક જ પરિવારમાંથી ચાર, ત્રણ કે બે મૃતકો હોવાથી માતા-પિતા સહિતના 20 વ્યકિતના સેમ્પલ લેવાયા હતાં. સેમ્પલ એકત્ર કરીને એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર FSLમાં મોકલાયા હતા. અહીં ત્રણ દિવસથી DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. સોમવારે DNA પૃથ્થકરણની ચાલી રહેલી કામગીરીની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષ કરી હતી અને સાંજ સુધીમાં 13 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકોના DNA મેચ કરવાની કાર્યવાહી અંતિમ ચરણમાં છે. એકાદ બે કિસ્સામાં ઉભી થયેલી જટીલતાને બાદ કરતા મોટા ભાગના મૃતદેહોના તેમના પરિવાર સાથેના ડીએનએ રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા.