Surat Rains: સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં શરૂ થયો વરસાદ?
સુરત શહેરમાં વરસાદે શાનદાર બેટિંગ કર્યા બાદ સુરત જિલ્લામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત શહેરના કડોદરા, પાલ અને અડાજણ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની તિવ્રતા એટલી વધુ હતી કે બપોરના સમયે પણ અંધકાર છવાય ગયો હતો. વરસાદને લીધે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.ભારે વરસાદને પગલે કડોદરા સુરત રોડ પર પાણી ભરાયા હતા.
સુરત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવી કાકરાપાર વિસ્તારમાં કાળા ડિંબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી સહિતના તમામ તાલુકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. કીમ, કામરેજ અને કાકરાપાર વિસ્તારમાં પણ વરસાદ વરસતા રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ધોધમાર વરસાદને પગલે કામરેજની સૂર્યદર્શન સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. પહેલા જ વરસાદે પ્રશાસનની પણ પોલ ખુલી ગઈ છે. કામરેજ ચાર રસ્તા હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. પ્રિ-મોનસૂનની કામગીરી યોગ્ય રીતે ન થતા સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



















