Surat HoneyTrap Case: સુરતમાં રત્નકલાકારોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ
સુરતમાં રત્નકલાકારોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ સામે છેલ્લા છ દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. ખંડણી વસૂલતો ગેંગનો સાગરિત CCTV કેમેરામાં કેદ થયો. સુરતમાં એક- બે નહીં પણ 29 ગેંગ સક્રિય હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ થયો. ગેંગના સાગરિતો સોશલ મીડિયા અને લિફ્ટ મેળવવાના બહાને રત્નકલાકારોને ટાર્ગેટ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો. એક રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવા આવેલો ગેંગનો સાગરિત સીસીટીવી કેમેરામાં કેદ થયો.. જેમાં ફરિયાદી રૂપિયા લેવા માટે તેના મિત્રની ઓફિસ પર આવે છે. આ સમયે આરોપી પણ ફરિયાદીની સાથે રહે છે.. ફરિયાદી પોતાના મિત્ર સાથે 40 હજાર રૂપિયા ઉછીના લે છે તે સમયે આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો. સુરતના ડીસીપીએ કહ્યું કે 29 જેટલી હનીટ્રેપમાં ફસાવતી ગેંગો સક્રિય છે. જે તમામ ગેંગના લોકો પોલીસની રડારમાં છે. તમામ સામે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થશે. હનીટ્રેપ ગેંગની મોડસ ઓપરેન્ડી એ છે કે સારી હીરાની કંપનીઓમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનાર લોકોને આ ગેંગના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ થકી મિત્રતા કરાવે છે અથવા તો જ્યારે રત્નકલાકાર રસ્તા પરથી પસાર થાય છે ત્યારે આવી મહિલાઓને લિફ્ટ આપવાના બહાને ટ્રેપમાં ફસાવે છે. જ્યારે રત્નકલાકાર શારીરિક સંબંધ બાંધે અથવા તો પ્રયાસ કરે, ત્યારે આ ટોળકી ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવા લાગે છે. મોટાભાગે આ લોકો પોતાની ઓળખ મીડિયાકર્મી અથવા પત્રકાર તરીકે આપે છે અને કેટલાક કિસ્સાઓમાં પોલીસના ઓળખકાર્ડ અને હાથકડી પણ લઈને પહોંચી જાય છે.





















