Vadodara News: સરકારી વ્યવસ્થામાં ફરી ખામીનો કિસ્સો, વડોદરામાં જીવતા માણસને કાગળ પર દર્શાવાયો મૃત
સરકારી વ્યવસ્થામાં ખામીને લીધે જીવતો માણસ કાગળ પર મૃત દર્શાવાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો વડોદરામાં. ચાર દરવાજા વિસ્તારના કાપડના વેપારી હનીફ કચ્છીના પુત્ર જીયા ઉર રહેમાન પરિવારનું નવું રાશનકાર્ડ કઢાવવા નર્મદ ભવનની કચેરી પર પહોંચ્યા હતા. જ્યાં કચેરીના અધિકારીએ હનીફ કચ્છી ઓન રેકોર્ડ મૃત હોવાની વાત કરતા પરિવાર આશ્ચર્યચકિત થયો હતો. પુત્ર જીયા ઉર રહેમાને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના તમામ પૂરાવા આપીને પોતાના પિતા જીવીત હોવાનું કહ્યું. તો અધિકારીઓએ ઉડાવ જવાબ આપતા કહ્યું કે 20 દિવસમાં તેમના પિતા જીવીત થઈ જશે. નવુ રાશનકાર્ડ મળી જશે. અધિકારીના આ જ ઉડાવ જવાબથી જીયા ઉર રહેમાને યોગ્ય કાર્યવાહીની માગ કરી.. મીડિયામાં અહેવાલ પ્રસારીત થતા જ અધિકારીઓ દોડતા થયા. અને અરજદારને ફોન કરી બોલાવી 15 મિનિટની અંદર જ નવું રાશનકાર્ડ બનાવી આપ્યુ. સરકારી વ્યવસ્થાની ખામી અને અધિકારીઓના ઉડાવ જવાબની ઘટના અંગે ઝોન-1ના નાયબ મામલતદાર ફાલ્ગુનીબેન ચાંદાવરાને જાણ થઈ. પોતે રજા પર હોવાનું કહી અન્ય અધિકારીની ભુલ થયાનું સ્વીકારીને માફી માગી.




















