Onion Price: ડુંગળીના ભાવ ગગડતાં ખેડૂતોને ખર્ચ પડી રહ્યો છે માથે, સૌરાષ્ટ્રના આ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી
ડુંગળીના ગગડી રહેલા ભાવને લઈ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહ્યા છે પરંતુ આ સરકારને ખેડૂતો સાથે કંઈ જ લેવાદેવા ન હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.
Onion Price Falls: રાજ્યમાં ડબલ એન્જિન સરકારથી ભાવનગરના ખેડૂતો ભારે નારાજ થયા છે. ખેડૂતોને ડુંગળીના પ્રતિ કિલો અઢીથી ત્રણ રૂપિયા ભાવ સતત બે મહિનાથી મળી રહ્યો છે, જેના કારણે ધરતી પુત્ર ખેડૂત દિવસેને દિવસે આર્થિક દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે. પોષણક્ષમ ભાવ આપવા માટે કૃષિ મંત્રીને વારંવાર પત્ર લખી લખીને ખેડૂતો થાક્યા છે પરંતુ બહેરી સરકારના કોઈ નેતા ખેડૂતોની વ્યથા સાંભળવા માટે આગળ આવી રહ્યા નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે માત્ર મત મેળવવા માટે ભાજપની સરકાર ખેડૂતોનો ઉપયોગ કરે છે.
ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેને પણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર
ભાવનગર જિલ્લાના ખેડૂત છેલ્લા ત્રણ મહિનાથી પૂરતા ભાવ પાકોમાં નહીં મળતા પીસાઈ રહ્યા છે, જેની વેદના સાંભળવા માટે કોઈ જ રાજકીય નેતા આગળ આવી રહ્યા નથી. ડુંગળીના ગગડી રહેલા ભાવને લઈ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહ્યા છે પરંતુ આ સરકારને ખેડૂતો સાથે કંઈ જ લેવાદેવા ન હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.
ભાવનગરનું મહુવા માર્કેટિંગ યાર્ડ છે ડુંગળી માટે જાણીતું
રાજ્યમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગરની ડુંગળી યાર્ડ સહિત પુરા દેશભરમાં એક્સપોર્ટ થતી હોય છે. ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે. જ્યારે જિલ્લામાં ડોકિયું કરીએ તો સૌથી વધુ વાવેતર મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર ગારીયાધાર, સહિતના તાલુકામાં બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જિલ્લામાં કુલ 31,178 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે, જેની સામે જિલ્લાની ડુંગળી અન્ય રાજ્યમાં પણ બહુળા પ્રમાણમાં નિકાસ થાય છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યમાં ભાવનગરની કસ્તુરીની નિકાસ થાય છે છતાં પણ ભાવનગરના ખેડૂતો સાથે દર વર્ષે અન્યાય થતો હોય છે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના માત્ર 55 રૂપિયા થી લઈ 165 ની વચ્ચે હરાજી દરમિયાન ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ મહા મહેનતે વાવેલા ડુંગળી ના ઉત્પાદન પર પાણી ફરી રહ્યું છે
30 હજારના ખર્ચ પડી રહ્યો છે માથે
ડુંગળી પકવતાં ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળવા જોઈએ તે મળી રહ્યા નથી જેના કારણે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. એક વીઘા દીઠ ખેડૂતોને 25000 હજારથી 30000 હજાર રૂપિયા ઉત્પાદન ખર્ચ થતો હોય છે જેમાં બિયારણ, મજૂરી, બારદાન, ટ્રાન્સપોર્ટેશન, દવા સહિતનો ખર્ચ થતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં 55 રૂપિયાથી લઈ 165 એક મણના મળી રહ્યા છે. જેના કારણે ખેડૂત વધુ આર્થિક દેવામાં સપડાઈ રહ્યો છે. સરકાર અન્ય દેશોમાં ડુંગળી નિકાસની પોલીસી બનાવીને ખેડૂતોને પાયમાલ તથા બચાવે તો જ ખેડૂત ખેતી કરી શકશે, અન્યથા ખેડૂત ખેતી છોડીને અન્ય વ્યવસાય અપનાવા મજબૂર બની જશે તે નક્કી છે. હાલ જે પ્રમાણે ખેડૂતોને મજાક સમાન ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાત પણ ચલાવી શકતો નથી.
ડુંગળીના ઉત્પાદનમાં ખેડૂતોને એક વીઘામાં થતો ખર્ચ જેમાં અકવામાં આવે તો ખેડૂતોને હાલ હરાજી દરમિયાન 20000 થી 25000 હજાર રૂપિયા ની નુકસાની જઈ રહી છે. ખેડૂતોની સરકાર હોવાના દાવા કરતી ભાજપ સરકારના કૃષિ મંત્રીને ખેડૂત દ્વારા રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેમને કોઈ પ્રત્યુતર પણ આપવામાં આવતો નથી.