Farmer’s Success Story: તરબૂચની ખેતીથી માલામાલ થયો નવસારીનો આ ખેડૂત, સોશિયલ મીડિયાનો કરે છે ભરપૂર ઉપયોગ
Farmer's Success Story: ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે
Watermelon Farming: પીળું એ સોનું જ ન હોય પણ પીળું તો તરબૂચ પણ હોય છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરના તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે પોતાની આવક બમણી કમાણી કરી છે. એટલુ જ નહિ, આસપાસના ખેડૂતોને પણ આ દિશામાં ખેતી કરવા માટે નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
હાલ ઉનાળાના આગમનની સાથે બજારમાં મીઠા-મધુરા તરબૂચની હાટો જોવા મળે છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવતા તરબૂચનું સેવન તમામ વયના લોકો માટે પહેલી પસંદ રહે છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચીજ ગામના 44 વર્ષીય યુવા ખેડૂત ધર્મેશભાઈ પટેલે દેશી તરબૂચના સાથે રંગીન અને સ્વાદિષ્ટ તરબૂચ ઉગાડીને આધુનિક ખેતીને અનોખો આયામ આપ્યો છે. ધર્મેશભાઈ પટેલે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ઉનાળુ સિઝનમાં રંગબેરંગી અને રસીલા તરબૂચનું વાવેતર તો કરી જ રહ્યા છે પણ સાથે સોશિયલ મીડયા પર માર્કેટિંગ કરી નવસારી શહેર તથા આસપાસના ગામોમાં જાતે વેચાણ કરી પોતાની આવક બમણી કરી રહ્યા છે.
10 વર્ષથી કરે છે તરબૂતની ખેતી
ક્લથાણ ગામના ત્રણ એકર જમીનમાં તેમણે મલ્ચીંગ પદ્ધતિ અને ટપક પદ્ધતિથી સિંચાઈ સુવિધા ઊભી કરી છે. જેથી ભરઉનાળે સિંચાઈના પ્રશ્નનું કાયમી નિરાકરણ પણ મળ્યું છે. અંદરથી લાલ અને બહારથી પીળા હોય એવી વિશાલા જાત અને બહારથી લીલા દેખાતા અને અંદરથી પીળા હોય એવી આરોહી જાતના ઓછા બીજવાળા અને અતિ સ્વાદિષ્ટ તરબૂચની ખેતીનો પ્રયોગ છેલ્લા દશ વર્ષથી સતત કરતા આવ્યા છે. જેની સફળતાનો શ્રેય ધર્મેશભાઈએ નવસારી કૃષિ યુનિવર્સીટી અને આત્મા પ્રોજેક્ટ હેઠળ મળેલ તાલીમને આપ્યો છે.
30 રૂપિયે કિલોના ભાવે વેચાય છે તરબૂચ
ધર્મેશભાઈએ કહ્યું કે, વિશાલા, આરોહી વેરાયટીની વધુ માંગ છે. ખાસ કરીને હોટેલોમાં આ તરબૂચની વધુ માંગ રહે છે. તેથી તે મોંઘા પણ છે. જે રૂ. 20 થી 30 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જેનું વજન 4 થી 5 કિલો રહે છે. સામાન્ય રીતે, હોટેલ-રેસ્ટોરન્ટમાં જોવા મળતાં રંગીન તરબૂચ હવે કિફાયતી દરે ઉપલબ્ધ થતાં નવસારી અને દક્ષિણ ગુજરાતના લોકોને સ્વાદમાં નવી વેરાયટી મળશે.
તરબૂચની ખેતીમાં મલ્ચીંગના કારણે જમીનમાં ભેજ અને પોષકતત્વો જરૂરિયાત પ્રમાણે જળવાઈ રહે છે તેમજ નિંદણનો પ્રશ્ન પણ ઓછો રહે છે. જ્યારે પ્લાસ્ટિકના ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થતા રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ગ્રો કવર ભીની માટી સાથે ફળોનો સંપર્ક ટાળે છે. તેથી ફળોમાં થતી ઈજા અટકે છે. માખી સહિતની જીવાતો તથા અન્ય વાયરસથી રક્ષણની સાથે ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવા વાતાવરણની પ્રતિકૂળ અસરની સામે પાકને રક્ષણ મળે છે.
હાલના સમયમાં પરંપરાગત ખેતીમાં બદલે ખેતીની હાઈટેક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેના કારણે ખેતી વધુ નફાકારક સાબિત થશે અને યુવા ખેડૂતોનો ખેતી પ્રત્યેનો મોહભંગ પણ અટકશે. દક્ષિણ ગુજરાતના લોકોને રંગબેરંગી અને રસીલા તરબૂચના સ્વાદનું ઘેલું લાગ્યું છે, ત્યારે ધર્મેશભાઈ જણાવે છે કે, એક્ઝોટિક વોટરમેલન તરીકે ઓળખાતા વિશાલા અને આરોહી તરબૂચ પાઈનેપલનો સ્વાદ પણ આપે છે. આમ, ઓછા સમયગાળામાં વધુ નફો આપતી મીઠા-મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે.