બોટાદની ઘટના પછી સરકારનો સૌથી મોટો નિર્ણય: હવે હરાજી પછી વજનમાં કોઈ કપાત નહીં! તમામ APMCને કડક સૂચના
બોટાદ જિલ્લાના હડદડ ખાતે થયેલા ઘર્ષણની ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) માં તોલમાપ અને ચૂકવણી પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લીધા છે.

Farmers' benefit decision: બોટાદના હડદડ ગામમાં થયેલા ઘર્ષણની ઘટનાના પગલે ગુજરાત રાજ્યના નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં તમામ APMC ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ APMCના કાંટે જ કરવું. આ વજનના આધારે જ અંતિમ બિલ બનાવવું અને કોઈપણ પ્રકારની કપાત (કચરો/કકડો) ગણવી નહીં. જો જણસ APMC સિવાય વેપારીના સ્થળે લઈ જવામાં આવે, તો તેનું વાહન ભાડું પણ વેપારીએ જ ચૂકવવાનું રહેશે. આ નિર્ણયનો હેતુ ખેત પેદાશના તોલમાપમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવીને ખેડૂતોને તેમની મહેનતનો સંપૂર્ણ ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
હડદડની ઘટના બાદ સરકારે APMC માં પારદર્શિતા ફરજિયાત કરી
બોટાદ જિલ્લાના હડદડ ખાતે થયેલા ઘર્ષણની ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) માં તોલમાપ અને ચૂકવણી પ્રક્રિયાની પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લીધા છે. નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્યના ગાંધીનગર કાર્યાલય દ્વારા મહેસાણા જિલ્લાની તમામ APMC ને એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર (જા.ન. 10/25/25-1-1/243/2025) જારી કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપવામાં આવી છે.
વજન અને કપાત અંગેના કડક નિયમો
પરિપત્ર મુજબ, APMC એ ખેડૂતો પાસેથી ખરીદેલી ખેત પેદાશોની હરરાજી કર્યા બાદ તેના તોલમાં કોઈપણ પ્રકારની કપાત કરવાની રહેશે નહીં. આ માટે નીચેના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:
- APMCના કાંટે જ અંતિમ વજન: ખેડૂતોની જણસનું વજન હરાજી બાદ APMCના માન્ય કાંટા (વે-બ્રિજ) પર જ કરવું ફરજિયાત છે.
- અંતિમ બિલની ગણતરી: APMCના કાંટે થયેલા ચોખ્ખા વજનને જ અંતિમ માનીને, હરાજીમાં નક્કી થયેલા ભાવ મુજબ સંપૂર્ણ બિલ બનાવવું અને ચૂકવણી કરવી.
- કપાત પર પ્રતિબંધ: વજન થયા બાદ કોઈપણ પ્રકારની કપાત (જેમ કે કચરો કે કકડો) ગણવાની રહેશે નહીં. માત્ર ગુજરાત ખેત ઉત્પન્ન બજાર કાયદા-31 અન્વયેની પૂર્વપટ્ટી નં. 11 મુજબની ધર્માદાની રકમ જ નિયમ મુજબ કપાત કરી શકાશે.
ખેડૂતને વાહન ભાડું નહીં ચૂકવવું પડે
ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે, ખરીદી કરનાર વેપારીઓ માટે પણ નિયમ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જો ખેડૂતોની જણસને APMC સિવાય વેપારીની જિનિંગ ફેક્ટરી, ઓઇલ મિલ, કે ગોડાઉન પર લઈ જવામાં આવે, તો તે વાહનના ભાડાનો સંપૂર્ણ ખર્ચ વેપારીએ જ ચૂકવવાનો રહેશે. ખેડૂતો પાસેથી આ ભાડું કે અન્ય કોઈ ચાર્જ વસૂલ કરી શકાશે નહીં.
ખેડૂતોને યોગ્ય અને સંપૂર્ણ ભાવ સુનિશ્ચિત
આ તમામ નિયમોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય અને સંપૂર્ણ ભાવ મળી રહે. ખેત પેદાશની ખરીદી કરનાર વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તોલ-માપ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે વે-બ્રિજ પર થયેલ ચોખ્ખા વજનમાં કોઈ વધારો કે ઘટાડો કરવાનો રહેશે નહીં અને તે જ વજન અંતિમ ગણાશે. નાયબ નિયામક શ્રી તરફથી તમામ APMC ને આ નિયમોનું સખતપણે પાલન કરીને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.




















